રાજકોટ
News of Tuesday, 10th December 2019

છાત્રાએ હાથ ઉછીના ૨૦ હજાર માંગ્યા પછી ૩૭ દિ'માં બે વખત દૂષ્કર્મનો ભોગ બનીઃ ભરતને શોધતી પોલીસ

ઝેર પી લેનારી બાટવા પંથકની યુવતિની ફરિયાદ પરથી મહિલા પોલીસે ગુનો નોંધ્યો : એક વખત દૂષ્કર્મ આચરી લીધા પછી યુવતિએ ફરિયાદ નોંધાવશે તેવું કહેતાં લગ્નની લાલચ આપીઃ બીજીવાર બળજબરી કરી લગ્નનીપણ ના પાડી દીધી

રાજકોટ તા. ૧૦: રાજકોટ રહી અભ્યાસ કરતી બાટવા પંથકની એક યુવતિ ત્રણેક મહિના પહેલા પોતાના એક પરિચીત યુવાન મારફત ભરત ચાવડા નામના શખ્સ સાથે પરિચયમાં આવ્યા બાદ આ શખ્સ પાસેથી પોતાના ફલેટના દસ્તાવેજના બદલામાં રૂ. ૨૦ હજાર હાથ ઉછીના લીધા હતાં. એ પછી આ શખ્સે વધુ પૈસાની જરૂર હોય તો પોતાના ફલેટે આવવાનું કહેતાં તેણી ત્યાં જતાં ભરતે બળજબરીથી દૂષ્કર્મ આચરી લીધું હતું. સાડત્રીસ દિવસ પહેલા આવું થયા બાદ આજથી દસ દિવસ પહેલા ફરીથી તેણે     દૂષ્કર્મ આચર્યુ હતું. આમ સાડત્રીસ દિવસમાં તેણી બે વખત બળજબરીનો ભોગ બની હતી. છેલ્લે પરમ દિવસે તેણીને ફલેટમાંથી હાંકી કઢાતા તે ઝેર પીવા મજબૂર થઇ હતી. પોલીસ સુધી મામલો પહોંચતા આઇપીસી ૩૭૬ મુજબ ગુનો નોંધાયો છે.

ભોગ બનેલી યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે રાજકોટ રહી ભણવા ઉપરાંત પાર્ટ ટાઇમ નોકરી કરે છે. એક પરિચીત યુવાન દ્વારા ભરત સાથે ત્રણેક મહિના પહેલા ઓળખાણ થઇ હતી. તે વખતે તેણીને પૈસાની જરૂર હોઇ પોતાના ફલેટના દસ્તાવેજના બદલામાં ભરત પાસેથી રૂ. ૨૦ હજાર લેવાનું નક્કી કર્યુ હતું. બાદમાં ભરતે પૈસા જોઇતા હોય તો ફલેટ પર આવી જવા કહેતાં આજથી સાડત્રીસ દિવસ પહેલા તે ભરતના ફલેટે જતાં તેણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી લીધો હતો. તેણીએ પોતે પોલીસ ફરિયાદ નોંધાવશે તેમ કહેતાં ભરતે લગ્ન કરી લેશે તેવી વાત કરી હતી. ત્યારબાદ આજથી દસેક દિવસ પહેલા ફરીથી તેણે ફલેટ પર બોલાવી દૂષ્કર્મ આચર્યુ હતું.

એ પછી તેણે લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. ત્યારબાદ ૮/૧૦ના રોજ ભરતે જે ફલેટ રહેવા આવ્યો હતો તેનું તાળુ બદલી નાંખી તેણીને કાઢી મુકતાં તેને માઠુ લાગી જતાં એરપોર્ટ રોડ પરથી દવા લઇ રેસકોર્ષ પહોંચી હતી. ત્યાંથી ભરતને ફોન કરતાં તેણે ફોન ન ઉપાડતાં જ્યુબીલી ગાર્ડન નજીક પોસ્ટ ઓફિસ પાસે પહોંચી ઝેર પી લીધું હતું. ત્યાંથી બીજા એક મિત્રને વાત કરતાં તેણે તેણીને હોસ્પિટલે પહોંચાડી હતી. આ બનાવમાં પીઆઇ એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયાએ બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:47 pm IST)