રાજકોટ
News of Tuesday, 10th December 2019

રાજકોટમાં રિક્ષા ચેકીંગ ઝુંબેશ વચ્ચે 'રિક્ષાગેંગ' ઝળકીઃ ભાવનગર રોડ પડધરીના યુવાનને છરીના ઘા ઝીંકી લૂંટ

મુળ બિહારનો યુવાન સોનગઢથી આજીડેમ ચોકડીએ ઉતર્યોઃ હોસ્પિટલ ચોક જવા રિક્ષામાં બેઠો અને આઇટીઆઇ હોસ્ટેલ પાસે લૂંટી લેવાયોઃ ૨૪ હજારની મત્તા ગઇઃ બે શખ્સે પગ-માથામાં છરીથી ઇજા કરી ગાળો દઇ ઢીકા-પાટુ મારી ધમકી પણ દીધીઃ સારવાર લીધી

રાજકોટ તા. ૧૦: શહેરમાં ગુનાખોરી ઘટાડવા માટે ગત સાંજે, રાત્રે રિક્ષા ચેકીંગ અને વાહન ચેકીંગ ઝુંબેશ રાખવામાં આવી હતી. એ દરમિયાન સાંજે આઠેક વાગ્યે ભાવનગર રોડ પર આઇટીઆઇ હોસ્ટેલ પાસે રિક્ષાચાલક અને સાથેના શખ્સે મુળ બિહારના હાલ પડધરી રહેતાં યુવાનને મુસાફર તરીકે આજીડેમ ચોકડીએથી બેસાડી રસ્તામાં છરીથી હુમલો કરી તેમજ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી રોકડ, મોબાઇલ ફોન મળી રૂ. ૨૪ હજારની લૂંટ ચલાવી લીધી હતી. ઘાયલ યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

હાલ પડધરી ગીતાનગરમાં રહેતો મુળ બિહારનો વતની ચંદ્રીકાદાસ રામરીતદાસ તાતવા (ઉ.૩૫) આરસીસી રોડ બનાવવાનું મજૂરી કામ કરે છે. હાલમાં તેની સાઇટ પાલીતાણા તરફ ચાલુ છે. આ યુવાન રાતે સિવિલ હોસ્પિટલમાં ઘાયલ હાલતમાં પહોંચતાં અને પોતાને રિક્ષાચાલક તથા સાથેના અજાણ્યાએ છરી ઝીંકી મારકુટ કરી લૂંટ ચલાવી લીધાનું કહેતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ થોરાળા પોલીસને જાણ કરતાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, અજીતભાઇ ડાભી, ભરતભાઇ વનાણી, ડી. સ્ટાફની ટીમે હોસ્પિટલે પહોંચી ફરિયાદની કાર્યવાહી કરી હતી.

ચંદ્રીકાદાસની ફરિયાદ પરથી રિક્ષાચાલક અને સાથેના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૯૪, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો દાખલ કરાયો હતો. ચંદ્રિકાદાસના કહેવા મુજબ પોતે હાલમાં પાલિતાણા નજીક સોનગઢ પાસે રોડના કામની સાઇટ ચાલુ હોઇ ત્યાં ગયો હતો. ત્યાંથી ગઇકાલે સાંજે રાજકોટ આજીડેમ ચોકડીએ આવ્યો હોત. પડધરી જવા સિવિલ હોસ્પિટલ ચોકીમાંથી બીજુ વાહન પકડવું હોઇ આજીડેમ ચોકડીએથી એક રિક્ષામાં ભાડેથી બેઠો હતો.

રિક્ષામાં ચાલક ઉપરાંત અન્ય એક શખ્સ પણ હતો. રિક્ષા ચોકડીએથી આગળ આઇટીઆઇ હોસ્ટેપલ સામે સુર્યમુખી હનુમાન પાસે પહોંચી એ પછી ચાલકે અવાવરૂ જેવી જગ્યાએ રિક્ષા ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ ચાલક અને સાથેના શખ્સે છરી કાઢી જે હોય તે આપી દેવા કહેતાં ચંદ્રિકાદાસે આનાકાની કરતાં તેને માથા-પગમાં છરીના ઘા મારી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી તેના ખિસ્સામાંથી રૂ. ૨૦ હજાર રોકડા તથા રૂ. ૪૦૦૦નો મોબાઇલ ફોન લૂંટી લઇ તેને ઉતારી મુકી ભાગી ગયા હતાં.ઘાયલ ચંદ્રિકાદાસને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોરાળા પોલીસે લૂંટારા રિક્ષાચાલક અને તેના સાગ્રીતને શોધી કાઢવા દોડધામ આદરી છે.

(11:41 am IST)