રાજકોટ
News of Tuesday, 10th December 2019

રાજકોટના સુપ્રસિદ્ધ કાર્ડીયોલોજીસ્ટ ડો.રાજેશ તેલીના પુસ્તક 'સંજીવની સ્પર્શ'નું વિજયભાઈના હસ્તે વિમોચન

ત્રણ દાયકામાં ડોકટર તરીકેની કારકિર્દીમાં દર્દીઓ સાથેની ઘટનાઓ આ પુસ્તકમાં વણી લીધી : ફેમીલી ડોકટર્સ પરનો ભરોસો સાજા થવામાં અગત્યની ભૂમિકા ભજવે છે : મુખ્યમંત્રી

રાજકોટ  : જાણીતા ફીજીશ્યન ડો.રાજેશ તૈલી તબીબ જગતમાં માનભર્યું સ્થાન ધરાવે છે, ડો.રાજેશ તૈલી દ્વારા લીખીત સંજીવની સ્પર્શ પુસ્તકનું વિમોચન રવિવારે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. આ વિમોચન પ્રસંગે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન વી. રૂપાણી, ડો.આઈ.કે. વીજળીવાળા, રાષ્ટ્રીય આઈ.એમ.એ.નાં ઉપપ્રમુખશ્રી ડો.અતુલ પંડયા, ગુજરાત આઈ.એમ.એ.નાં ઉપપ્રમુખશ્રી ડો.હિરેન કોઠારી, વડોદરાથી ડો.એન.જી.સંદ્યવી વિશેષ હાજર રહેલ હતા. ડો.રાજેશ તેલીએ પોતાના તબીબી વ્યવસાયનાં ત્રણ દાયકાનાં આધ્યત્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક અનુભવો આ પૂસ્તકોમાં રજુ કરેલ છે, વર્તમાન સમયમાં તબીબ સમાજનાં સંબંધમાં ચાલી રહેલ તનાવને દુર કરી પ્રેમ અને વિશ્રાસનાં સેતુને પૂનઃસ્થાપીત કરવા પ્રયાસ કરેલ છે.    

સૌપ્રથમ વડોદરાથી ખાસ પધારેલ ડો.સંઘવીએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે ડો.રાજેશ તૈલીને વિમોચન પ્રસંગે શુભેચ્છા પાઠવેલ હતી. ત્યારબાદ જાણીતા લેખક અને વકતા ડો.આઈ.કે.વિજળીવાળાએ એમના વકતવ્યમાં વર્તમાન સમયમાં દરેક ઘરની અંદર બે પૂસ્તક ઓછામાં ઓછા હોવા જોઈએ અને પૂસ્તક જ વ્યકિતનો એક સાચો મિત્ર હોય છે, તેમના લિખીત પૂસ્તકોમાંના અનેકવિધ દાખલાઓની વિસ્તૃત માહીતી આપેલ હતી. અને એક પૂસ્તક થકી વ્યકિત નાસીપાસ થયેલ હોય, આત્મહત્યા કરવા તૈયાર હોય તેઓને પણ પૂસ્તકનાં વાંચન દ્વારા તેમના પ્રશ્નોનું સમાધાન થતું હોય છે, ડો.રાજેશ તૈલી અને પોતે સાથે અભ્યાસ કરી ત્રણ દાયકા સુધીની સફરનાં સંસ્મરણો રજુ કર્યા હતા.

ડો.રાજેશ તૈલીએ જણાવેલ કે તેઓનાં અભ્યાસકાળ દરમ્યાન તેમની ઈચ્છા એન્જિીનયર બનવાની હતી. પરંતુ તેમના પિતાશ્રીની ઈચ્છા અને સત્યસાંઈ બાબાનાં આર્શિવાદ થકી આજે તેઓ દુનિયાનાં શ્રેષ્ઠ માનવ રૂપી મશીનનાં એન્જિીનયર છે. ૧૯૭૮માં પૂ.સત્યસાંઈ બાબાને મળવાનું થયુ ત્યારે તેઓશ્રીએ જણાવેલ કે તમારી ઇચ્છા એન્જિીનયર બનવાની છે પરંતુ આ માનવરૂપિ મશીનનાં એન્જિીનયર બની સમાજની સેવા કરો એવા આશિર્વાદ આપેલ હતા. છેલ્લા ત્રણ દાયકામાં ડોકટર તરીકેની કારકિર્દીમાં અનેકવિધ દર્દીઓ સાથેની ઘટનાઓને આ પૂસ્તકમાં વણી લીધેલ છે, જેમાં તેમના જુનિયર રહી ચુકેલા ડો.ચિંતન ઓઝાનો પણ વિશેષ ઉલ્લેખ કરેલ છે. સમાજમાં ડોકટરની એક વિશીષ્ટ માન અને ભુમિકા હોય છે. અને આ એક પૂસ્તકરૂપી સ્વપન પૂર્ણ થયું હોય ત્યારે અને રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત હોય ત્યારે તેઓએ જેમ ચેઈન ઓફ હોટલ્સ હોય છે તેવી જ રીતે સમગ્ર ગુજરાત અથવા ભારતમાં ચેઈન ઓફ ફેમીલી ડોકટર્સ બને, જેમાં તમામ નાના સેન્ટરોમાંથી મોટા સેન્ટરો સુધી તમામ ફેમીલી કલીનીકની ડીઝાઈન થી લઈ તમામ વસ્તુ એક સરખી હોય, જેમાં સામાન્ય દર્દ માટે ફેમીલી ડોકટર્સ પાસેથી જ સારવાર મેળવી અને આર્થિક બચત પણ થઈ શકે તેવું સરકારશ્રીને પણ આ બાબતમાં આગળ વધવા વિનંતી કરેલ હતી.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે, કે સમાજનાં સંતુલન માટે ડોકટર્સ, પોલિસ, શિક્ષણની પ્રતિષ્ઠા આવશ્યક છે. વ્યાવસાયિકરણના આજના સમયમાં દરેક સંબંધો ચર્ચાની એરણ પર છે, ત્યારે આ ત્રણેય સંબંધોમાં પોતીકાપણાની સુરક્ષા અનુભવાય છે, જે સુચારૂ સામાજિક સંચાલન માટેના મહત્વના પરિમાણો છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

રાજકોટ ખાતે જાણીતા કાર્ડીયોલોજિસ્ટ  ડો. રાજેશ તેલીના પુસ્તકનુ વિમોચન કરતી વખતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપરોકત ભાવ રજૂ કર્યો હતો. એમ લાગણીસભર અવાજે ઉમેર્યું હતું કે, આ પુસ્તકમાં તાદૃશ્ય થયેલી માનવીય સંવેદનાના જતનની સફર સરાહનીય છે. આવી સંવેદનાપૂર્ણ સફરના સર્જન અને સમગ્ર સમાજને તેનો આસ્વાદ કરાવવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ડો. તેલીને  અભિનંદન આપ્યા હતા.

 ડો. રાજેશ તેલીની ફેમિલી ડોકટર્સ માટે રાજયવ્યાપી શૃંખલા બનાવવાની રજૂઆત પર પોતાનો મત આપતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સના સમયમાં પણ ફેમિલી ડોકટર્સ સમાજ માટે આશાના કિરણ સમાન છે. તેમની સાથેના અંગત સંબંધો થકી સ્વાસ્થ્ય માટેનો ફેમિલી ડોકટર્સ  પરનો ભરોસો સાજા થવાામાં અગત્યની ભૂમિકા ભજવે છે, એમ પણ શ્રી વિજયભાઇએ જણાવ્યું હતું.

જનસામાન્યના આરોગ્યના રક્ષણ માટે અને લોકોની આરોગ્યસંબંધી વ્યથાની વ્યવસ્થા માટે રાજયસરકારે અમલી બનાવેલી મુખ્યમંત્રી અમૃતમ-મા યોજના નાં માનવીય પાસાંઓ વિષે મુખ્યમંત્રીશ્રીએ તેમના વકતવ્યમાં પ્રકાશ પાડયો હતો. એક ઉમેર્યું હતું કે રાજયના ૬૦ લાખ પરિવારો આ યોજના સાથે જોડાયેલા છે, જેનો સીધો લાભ રાજયની જનતાને મળી રહયો છે. ઉપસ્થિત ડોકટર્સની ટીમે તાળીઓના ગડગડાટથી મુખ્યમંત્રીશ્રીની આ વાતને વધાવી લીધી હતી.

ડોકટર્સના સામાજિક  ઉત્ત્।રદાયિત્વનો સ્વીકાર કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત ડોકટર્સને તેમના ઉમદા વ્યવસાયને લાંછન ન લાગાડવા અને લોકોના આરોગ્ય પ્રત્યેની પોતાની જવાબદારી વ્યકિતગત નહીં, પણ સામુહિક સમજીને નિભાવવાની શીખ આપી હતી. અને આશા વ્યકત કરી હતી કે, ડો. રાજેશ તેલીનું પુસ્તક મેડિકલ ક્ષેત્રે ઘણાં માટે માર્ગદર્શક પુરવાર થશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ડો.તેલીના પરિવારજનોએ પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. ડો. રાજેષ તેલીએ તેમના પુસ્તક  સંજીવની સ્પર્શના સર્જનની પૃષ્ઠભૂમિ ભાવુક સ્વરે વર્ણવી હતી. જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો.આઇ.કે વીજળીવાળાએ ડો.રાજેશ તેલી સાથે ગાળેલા સમયનાં સંસ્મરણો વાગોળ્યા  હતા.

   આ કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન આચાર્ય, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યોશ્રી ગોંવિદભાઇ પટેલ તથા  શ્રીઅરવિદભાઇ રૈયાણી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશભાઇ મીરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્રાજ, તથા શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ભાજપ પ્રવકતાશ્રી રાજુભાઇ ધ્રુવ, કલેકટરશ્રી રેમ્યા મોહન,  પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ડો. અમીતાબાઈ મહાસતીજી, ડો. સુજીતાબાઈ મહાસતીજી, અગ્રણી  તબીબો સર્વશ્રી  ડો.સંઘવી, ડો. જયપ્રકાશ ભટ્ટ, ડો. અતુલ પંડયા, ડો. હીરેન કોઠારી, ડો. વર્ષા શાહ, ડો. મિલન ચગ, ડો. અશોક રૂઘાણી, રાજકોટના જાણીતા  અન્ય ડોકટર્સ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.

ડો. રાજેશ તેલીને મો.૯૮૨૪૨ ૧૦૪૮ં૬ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:40 am IST)