રાજકોટ
News of Tuesday, 10th December 2019

ભાવેશને ભણવું નહોતું...બા ખીજાતાં ઘરેથી ભાગી નીકળ્યોઃ શાપર પોલીસે શોધી કાઢ્યો

થોરાળા પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધ્યોઃ પીઆઇ જી.એમ. હડીયાએ સોશિયલ મિડીયામાં મેસેજ મુકતાં અને જીલ્લાભરની પોલીસને જાણ કરતાં શાપર પોલીસે શોધી કાઢી રાજકોટ જાણ કરી

રાજકોટ તા. ૧૦: ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમ-૧૨માં રહેતાં જયાબેન દિનેશભાઇ શિયાળ (કોળી)નો ૧૩ વર્ષના પુત્ર ભાવેશના અપહરણની ફરિયાદ ગત સાંજે થોરાળા પોલીસમાં નોંધાતા જીલ્લાભરની પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ ટેણીયો શાપર વેરાવળ પોલીસને ત્યાંની એક કેન્ટીન પરથી મળી આવતાં રાજકોટ પોલીસને સોંપાયો હતો. પિતા વિહાણા ભાવેશને ભણવું ગમતું ન હોઇ તે શાળાએ ન જતો હોવાથી માતાએ ઠપકો આપતાં તે ઘર છોડીને નીકળી ગયાનું તેણે પોલીસને કહ્યું હતું.

જયાબેન શિયાળે સાંજે થોરાળા પોલીસ મથકે આવી પોતાનો ૧૩ વર્ષનો પુત્ર ભાવેશ સવારથી ગૂમ થઇ ગયાની જાણ કરતાં જ પી.આઇ. જી.એમ. હડીયા અને ટીમે સગીર ગૂમ થવાના કિસ્સામાં તુરત જ તપાસ શરૂ કરી દીધી હતી. વિસ્તારમાં કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી કરાવ્યા બાદ જયાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના મુજબ પી.આઇ. હડીયાએ બાળકને માતાએ ઠપકો આપતાં તે જતો રહ્યાની અથવા કોઇ તેનું અપહરણ કરી ગયાની શંકા સાથેનો મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. સાથે બાળકની તસ્વીર પણ પોસ્ટ કરી હતી. જીલ્લા ભરની પોલીસને કન્ટ્રોલ રૂમ મારફત જાણ કરાઇ હતી. દરમિયાન શાપર વેરાવળ પી.એસ.આઇ. કે. એ. ગોહિલ અને ટીમના દિલીપભાઇ કલોતરા , કિરીટસિંહ જાડેજા સહિતની ટીમ બાળક પોતાના વિસ્તારમાં તો નથી ને? તેની તપાસ કરવા પેટ્રોલીંગ શરૂ કર્યુ હતું. દરમિયાન   વર્ણન મુજબનો ટેણીયો શાપર વેરાવળની દ્વારકાધીશ હોટેલ પાસે ઉભો હોઇ તેને પોલીસે બોલાવી ચા-નાસ્તો કરાવી પ્રેમથી પુછતાછ કરતાં તેણે પોતાનું નામ ભાવેશ હોવાનું અને પોતે ધોરણ-૮માં ભણતો હોવાનું તેમજ ભણવું ગમતું ન હોઇ બા ખીજાતા હોવાથી ઘરેથી નીકળી ગયાનું કહેતાં પોલીસે રાજકોટ થોરાળા પોલીસ સાથે ખરાઇ કરી બાળકનો કબ્જો સોંપ્યો હતો.

(1:18 pm IST)