રાજકોટ
News of Monday, 10th December 2018

આંતર કલહ...

સામા કાંઠે ભાજપના મહિલા કોર્પોરેટરોમાં ડખ્ખોઃ ધારાસભ્ય વચ્ચે પડયા

વોર્ડ નં. પમાં સાઇન બોર્ડ મૂકવા બાબતે પ્રીતીબેન અને દક્ષાબેન આમને સામનેઃ પેડક ચોકમાં સાઇન બોર્ડ નહી મૂકવા કોન્ટ્રાકટરને ધમકીઃ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ નિયમ મુજબ બોર્ડ મુકવા સુચના આપી

રાજકોટ, તા. ૧૦ :. છેલ્લા ચારેક મહિનાથી શહેર ભાજપમાં અને ખાસ કરીને કોર્પોરેટરોમાં આંતરકલહની ઘટનાઓ બહાર આવી રહી છે. જેમાં સામાકાંઠા વિસ્તારમાં બે મહિલા કોર્પોરેટરો વચ્ચે ડખ્ખો થયાની ઘટના બની હતી અને આ સમગ્ર મામલો સામાકાંઠાના કોર્પોરેટર અને ધારાસભ્ય સમક્ષ જતા તેઓએ આ બાબતે દરમિયાનગીરી કરવી પડી હતી.

આ ઘટનાની ભાજપના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં તેઓની ગ્રાન્ટમાંથી વિવિધ ચોક, રસ્તા, સોસાયટીઓ વગેરેના સાઈન બોર્ડ મુકાવે છે અને તેમાં જે તે કોર્પોરેટર પોતાનુ નામ લખાવે છે. આ મુજબ પેડક રોડ પર પેડક ચોકમાં વોર્ડ નં. ૫ ના કોર્પોરેટર પ્રિતીબેન પનારાએ તેઓની ગ્રાન્ટમાંથી સાઈન બોર્ડ મુકવાની કાર્યવાહી શરૂ કરતા આ જ વોર્ડના અન્ય મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાના પતિએ કોન્ટ્રાકટરને આ સ્થળ ઉપર સાઈન બોર્ડ નહી લગાવવા ધમકી ભરી ભાષામાં જણાવતા કોન્ટ્રાકટરે કામ અધુરૂ મુકી દીધુ હતું. આ બાબતની જાણ પ્રિતીબેનને થતા તેઓએ આ બાબતની ફરીયાદ આ જ વોર્ડના કોર્પોરેટર અને ધારાસભ્ય એવા અરવિંદભાઈ રૈયાણીને ફરીયાદ કરી હતી.

દરમિયાન અરવિંદભાઈ રૈયાણીએ કોન્ટ્રાકટરને બોલાવીને જણાવ્યુ હતુ કે નિયમ મુજબ કોઈપણ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી સાઈન બોર્ડ મુકાવે તો તેમા તેનુ નામ લખી શકે છે. આથી આ કિસ્સામાં પણ નિયમ મુજબ પ્રિતીબેનના નામવાળુ બોર્ડ મુકાવુ જોઈએ.

આ સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય શ્રી રૈયાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, આવી ઘટના બની હતી અને તેમા બન્ને વચ્ચે મધ્યસ્થી બની અને નિયમ મુજબ બોર્ડ મુકાવવા કોન્ટ્રાકટરને સુચના અપાઈ હતી. મહિલા કોર્પોરેટરના પતિએ કોન્ટ્રાકટરને ધમકી આપ્યાની બાબતે પણ ફરીયાદ મળ્યાનું શ્રી રૈયાણીએ જણાવેલ.

નોંધનીય છે કે, અગાઉ પણ વોર્ડ નં. ૫ના આ બે મહિલા કોર્પોરેટરો વચ્ચે અનેક નાનામોટા ડખ્ખા થયાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે વધુ એક ઘટના બનતા આ બાબત શહેર ભાજપમાં ચર્ચાના ચકડોળે ચડી છે.

(3:39 pm IST)