રાજકોટ
News of Wednesday, 10th November 2021

શહેરમાં મિલ્કત વેરાના બાકીદારો સામે તંત્રએ શું કર્યુ ? : જનરલ બોર્ડમાં થશે ચર્ચા

૧૮મીએ યોજાનાર બોર્ડ બેઠકમાં ભાજપના ૧૪ કોર્પોરેટરોએ ૨૮ પ્રશ્નો અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ ૧૨ પ્રશ્નો રજૂ કર્યાઃ રસ્તા, લાઇટ, મોબાઇલ ટાવરનો વેરો, કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, ફરિયાદ નિકાલ સહિત ૪૦ પ્રશ્નો પૂછાયા

રાજકોટ તા. ૧૦ : આગામી તા. ૧૮ના રોજ મ.ન.પા.નું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાશે. જેમાં ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરો સહિત કુલ ૪૦ પ્રશ્નો રજૂ કરાયા છે. જેમાં સૌ પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ૩ના ભાજપના કોર્પોરેટર કુસુમબેન સુનીલભાઇ ટેકવાણીએ પૂછેલો. વેરા વસુલાત અંગેના પ્રશ્નની ચર્ચા થશે. જેમાં ૧ ઓકટોબરથી અત્યાર સુધીમાં મિલ્કત વેરાના કેટલા બાકીદારોને નોટીસો અપાઇ ? અને તેની સામે શું કાર્યવાહી કરી ? તેની વોર્ડ વાઇઝ વિગતો આપવા તેઓએ માંગણી કરી છે.

આ ઉપરાંત કુસુમબેન ટેકવાણીએ મ.ન.પા. દ્વારા કયા - કયા જાહેર સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ છે ? તે પ્રશ્ન પૂછયો છે. જ્યારે વોર્ડ નં. ૫નાં હાર્દિક ગોહિલે શહેરમાં રોડ - રસ્તા રિપેરીંગ બાબતે તેમજ કેટલા સ્થળે ફોગીંગ કરાયુ ? એ બે પ્રશ્નો રજૂ કર્યા છે તેમજ વોર્ડ નં. ૧૮ના ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો નિકાલ કેટલો થજ્ઞે ? તે પ્રશ્ન પૂછાયો છે તેમજ નવા સ્વીમીંગ પુલ બનાવવા શું આયોજન છે ? તે પ્રશ્ન રજૂ કર્યો છે.

જ્યારે વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ તંત્રએ કોરોનાની ત્રીજી લહેર માટે શું તૈયારી કરી છે ? રસીકરણની કામગીરી કેટલે પહોંચી ? ડેંગ્યુ - ચીકનગુનીયાના રોગચાળાના આંકડાઓ કેમ જાહેર નથી થતાં, ટ્રાફિક સમસ્યા નિવારવા બ્રિજનું કામ વહેલુ પુરૃં કયારે થશે ? વગેરે પ્રશ્નો પૂછાયા છે.

જ્યારે કોંગ્રેસના મકબુલ દાઉદાણીએ શહેરમાં મોબાઇલ ટાવરોને કેટલી મંજુરી ? તેનો કેટલો વેરો બાકી છે ? કેટલી મીલ્કતોનો વેરો બાકી છે ? વગેરે પ્રશ્નો પૂછયા છે. ઉપરાંત કોંગ્રેસના કોમલબેન ભારાઇએ સ્માર્ટ સીટીના પ્રોજેકટોના ખર્ચની વિગતો તેમજ મ.ન.પા.નું છ માસિક નફા-નુકસાનનું સરવૈયુ માંગ્યું છે.

તેમજ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ ફરિયાદ નિકાલની વ્યવસ્થા અને બેદરકારી દાખવનાર કર્મચારી સામે શું પગલા લેવાયા ? તથા આવાસ યોજનાના કવાર્ટરોમાં ઘુસણખોરી વગેરે બાબતોના પ્રશ્નો રજૂ કર્યા છે.(૨૧.૪૯)

જનરલ બોર્ડમાં કયા કોર્પોરેટરે કેટલા પ્રશ્નો પૂછયા ? તેની વિગતો

ક્રમ    સભ્યશ્રીનું નામ પ્રશ્નની સંખ્યા

૧    કુસુમબેન ટેકવાણી  ૦૨

૨    હાર્દિકભાઇ ગોહેલ    ૦૨

૩    સંજયસિંહ રાણા     ૦૨

૪    મગનભાઇ સોરઠીયા ૦૨

૫    આશાબેન ઉપાધ્યાય      ૦૨

૬    લીલુબેન જાદવ     ૦૨

૭    નરેન્દ્રસિંહ વાઘેલા   ૦૨

૮    કંચનબેન સિધ્ધપુરા ૦૨

૯    મનીષભાઇ રાડીયા  ૦૨

૧૦  ભાનુબેન બાબરીયા  ૦૨

૧૧  વર્ષાબેન રાણપરા   ૦૨

૧૨  રવજીભાઇ મકવાણા ૦૨

૧૩  હિરેનભાઇ ખીમાણીયા     ૦૨

૧૪  દેવાંગભાઇ માંકડ    ૦૨

૧૫  ભાનુબેન સોરાણી    ૦૩

૧૬  વશરામભાઇ સાગઠીયા    ૦૩

૧૭  કોમલબેન ભારાઇ   ૦૩

૧૮  મકબુલભાઇ દાઉદાણી     ૦૩

                        કુલ        ૪૦

ઘંટેશ્વરમાં ડી.પી. રોડ કપાતના અસરગ્રસ્તોને જમીન ફાળવવા સહિત પાંચ દરખાસ્તોનો નિર્ણય થશે

રાજકોટ : ૧૮મીએ યોજાનાર જનરલ બોર્ડના એજન્ડા મુજબ કુલ ૫ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાશે.

જેમાં ઘંટેશ્વરમાં ૨૪ મી ડી.પી. રોડની કપાતના અસરગ્રસ્તોને વૈકલ્પિક જમીન ફાળવવા, વોર્ડ નં. ૩માં બાવાજીરાજ સ્કુલ બાજુમાં આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરમાં નવી પાર્કિંગ પોલીસી મંજુર કરવા અને અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય (લેંગ લાઇબ્રેરી)માં કોર્પોરેટરની સભ્યપદે નિમણૂંક કરવા અને શિક્ષણ સમિતિનું રોજકામ મંજુર કરવા સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

(3:13 pm IST)