રાજકોટ
News of Wednesday, 10th November 2021

શહેરમાં વધુ બે કેસ સહિત કુલ ૮ દર્દીઓ સારવારમાં

ગઇકાલે સાંજે બહુમાળી ભવન વિસ્તારમાં એક જ પરિવારનાં બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ આજે બપોર સુધીમાં કોરોનાના એકેય કેસ નોંધાયો નથી

રાજકોટ,તા.૧૦: દિવાળીનાં તહેવારો બાદ શહેરમાં કોરોના સંક્રમણનો વેગ પકડયો હોય તેમ છેલ્લા નવ દિવસમાં ૭ કેસ નોંધાયા બાદ ગઇકાલે બહુમાળી ભવન વિસ્તારમાં એક જ પરિવારનાં બે સભ્યોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાનાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોના શુન્ય કેસ નોંધાયા છે.

આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો.લલીત વાઝાએ જણાવ્યુ હતુ કે, શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોના છ કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગનાં દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. કેસ વધી રહ્યા છે. ચીંતા કરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે. તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર પર વધુને વધુ લોકોનાં ટેસ્ટીંગ કરવામાં આવશે.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૫૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૮૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૯૫૪ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૫૩,૮૮૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૫૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૫  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ ટકા એ પહોંચ્યો છે. હાલ ૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

ગઇકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા

આ અંગે મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે ૯૫૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વોર્ડ નં.૨માં બહુમાળી ભવન વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારનાં ૫૫ વર્ષનાં પુરૂષ અને મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બન્નેએ બન્ને ડોઝ લીધા છે.

(3:12 pm IST)