રાજકોટ
News of Thursday, 10th October 2019

ડેંગ્યુ સામે લડવામાં લોક સહકાર જરૂરીઃ તમારા ઘરમાં ચોખ્ખા પાણીનો ભરાવો દુર કરોઃ ઉદય કાનગડની અપીલ

ડેંગ્યુનાં મચ્છરો ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે અને દિવસે જ કરડે છે

રાજકોટ, તા., ૧૦: શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેંગ્યુ એકાએક મોટીમાત્રામાં ફેલાઇ  રહયો છે. ત્યારે આ રોગ પર કાબુ મેળવવામાં નાગરીકોનો સહકાર સૌથી વધુ જરૂરી હોવાનું સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે એક અપીલમાં જણાવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે ડેંગ્યુ વાહકજન્ય રોગ છે. જે દિવસે જ કરડતા મચ્છરોથી ફેલાય છે. તેઓએ જણાવ્યું છે કે ડેંગ્યુ ફેલાવતા મચ્છરો ચોખ્ખા પાણીમાં જ ઇંડા મુકે છે અને ઘરમાં ફ્રીજ, એસી, પક્ષીકુંજ, અગાસીમાં પડેલા ભંગાર, ટાયરો વગેરેમાં ભરાઇ રહેતા ચોખ્ખા પાણીમાં જ આ મચ્છરો ઇંડા મુકે છે. જેમાંથી મચ્છરો ઉત્પન્ન થાય છે અને પછી દિવસનાં સમયે કરડે છે. ત્યારે 'તમારો દુશ્મન તમારા ઘરમાં જ છે' તેમ જાણી અઠવાડીયામાં એક વખત ઘર, અગાસીની ઉંડી તપાસ કરીને ચોખ્ખા પાણીનો ભરાવો દુર કરી ડેંગ્યુ સામે લડવામાં તંત્રને મદદરૂપ થવા શ્રી કાનગડે જાહેર અપીલ કરી છે.

(3:58 pm IST)