રાજકોટ
News of Thursday, 10th October 2019

સિવીલ હોસ્પીટલના દરેક વોર્ડમાં મચ્છરોઃ મ.ન.પા.ના ચેકીંગમાં ખુલી પોલ

ન્યુ. પી. જી. હોસ્પીટલ, રેસકોર્ષ રીંગ રોડની બાંધકામ સાઇટો, રિલાયન્સ પેટ્રોલ પંપ, કોટક સાયન્સ સ્કુલ, સરદાર ઇન્ડસ્ટ્રીઝને નોટીસો

રાજકોટ તા. ૧૦ :.. શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ડેન્ગ્યુ-મેલેરિયા એ દાટ વાળ્યો છે ત્યારે મ.ન.પા.નાં તંત્ર વાહકોએ  મચ્છરોનાં ઉપદ્રવ અંગે કરેલા ચેકીંગમાં સીવીલ હોસ્પીટલ ખુદ માંદગીનાં ખાટલામાં હોવાની પોલ ખુલી છે કેમ કે સીવીલ હોસ્પીટલનાં દરેક વોર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય અધિકારીની સતાવાર યાદીમાં જણાવ્યું છે કે,  વરસાદની ઋતુની વિદાય બાદ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વદ્યુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે. ખાસ કરીને લોકોમાં સાફ સફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પતિ ઘણી વધી જાય છે.

દરમિયાન સિવીલ હોસ્પીટલ અને ન્યુપી.જી. હોસ્ટેલમાં વાહક જન્ય રોગચાળો ન ફેલાય  તેના અટકાયતી ૫ગલારૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય અદ્યિકારી શ્રી ડો. પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ, બાયોલોજીસ્ટ તથા સેન્ટ્રલ ઝોન મેલેરિયા શાખાની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી

સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન દરેક વોર્ડ તથા દરેક વિભાગ ના બાથરૂમમાં રાખેલ પાણીના પ્લાસ્ટીક બેરલ તથા ડોલમાં મચ્છર ઉત્પતિ જોવા મળી આવેલ, આ ઉ૫રાંત ફુલ – છોડનાંકુંડ, વોટરકુલર, ફ્રિજનીટ્રે, અગાસી તથા અન્ય જગ્યાઓએ રાખેલ ભંગારમાં મચ્છર ઉત્પતિ મળી આવેલ. 

ન્યુપી.જી. હોસ્ટેલ ખાતે અગાશી ૫ર ૫ડેલ ભંગારમાં તથા ઓવર ફલોથી જમા પાણીમાં મચ્છર ઉત્પતિ મળી આવેલ, વોટર કૂલરના ફિલ્ટરમાં તથા ન્યુપી.જી. હોસ્ટેલની મેસની અંદર ફિજનીટ્રે, પાણીની ડોલ,મચ્છર ઉત્પતિ મળી આવેલ. 

આ ઉ૫રાંત ગત સપ્તાહ દરમ્યાન મચ્છર ઉત્પતિ સબબ ચેકિંગ દરમ્યાન ઓલ્ડલેન્ડ માર્કે (કોમ્પલેક્ષ) – એસ્ટ્રોન ચોક અને પ્રાઇડ એમ્પાયર (બાંધકામ સાઇટ) – રેસકોર્ષ રીંગરોડ ખાતે મચ્છર ઉત્પતિ સબબ વહિવટી ચાર્જ વસુલાત કરેલ છે તથા બી.એસ.એન.એલ. ઓફિસ –૮૦ ફુટરોડ, કોટક સાયન્સ સ્કુલ – ધર્મેન્ડ કોલેજ રોડ, રીલાયન્સ પેટ્રોલ પં૫ –૮૦ ફુટ રોડ, રવિ હોસ્ટેલ– સર્વોદય સોસા., શ્રીજી હોસ્ટેલ– સરદારનગર, લાખાજીરાજ હોસ્ટેલ, સમૃધ્ધી એપાર્ટમેન્ટ, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ  - મેહુલનગરની બાંધકામ સાઇડ, પ્રેડફિલ્ડ ઇન્ડિયા– આજીવસાહત, ગીનાવાયર પ્રોડકટ– આજી વસાહત, સરદાર ઇન્ડ્રસ્ટીઝ–૮૦ ફુટ રોડ ખાતે મચ્છર ઉત્પતિ મળી આવતા નોટીસો આપેલ છે.

ડેન્ગ્યુ અટકાયતી માટે એડિસ મચ્છરની ઉત્પતિ અટકાવવી ખુબજ આવશ્યક છે. ફોગીંગ એ એક માત્ર ઉપાય નથી. ફોગીંગ ફકત ચેપી પુખ્ત મચ્છરના નાશ માટે જરૂરી છે. મચ્છરની ઉત્પતિ જ ચાલુ જ રહે તો ફોગીંગનો હેતુ સિધ્ધ થતો નથી. આથી મચ્છરના લાર્વા(પોરા) નો નાશ કરવો, એ ખુબજ આવશ્યક છે. આથી ડેન્ગ્યુ રોગ અટકાયતી ઝુંબેશમાં મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સૈા સાથે મળીને સહકાર આપો. તેવી અપીલ આરોગ્ય અધિકારીએ કરી છે. 

(3:38 pm IST)