રાજકોટ
News of Thursday, 10th October 2019

મંગળવારે સ્ટ્રકચરલ એન્જીનીયર સ્વ. રાજદેવ ગોસલિયાની પુણ્યતિથીઃ રાષ્ટ્રીયશાળામાં સ્મરણાંજલી

રાજકોટતા.૧૦ :  તેજસ્વી અને યશસ્વી સ્ટ્રકચરલ એન્જિનિયર રાજદેવ ગોસલિયાએ ૩૮ વર્ષની યુવા વયે -આજથી ૨૩ વર્ષ પૂર્વે -૧૫ ઑકટોબર ૧૯૯૬ના રોજ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી હતી. ૨૦ ઑગસ્ટ ૧૯૫૮ના રોજ રાજકોટ ખાતે જન્મેલા રાજદેવભાઈના પિતા સ્વ. રજનીકાંતભાઈ સ્વાતંત્ર્ય-સેનાની જ્યારે માતા સ્વ. લીનાબેન શિક્ષિકા હતા. રજવાડાના બ્રિટિશ સરકાર-નીમ્યા રાષ્ટ્રપ્રેમી, ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા હાકેમ શિવલાલ ગોસલિયા રાજદેવભાઈના દાદાજી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પત્ની દમયંતીબેન પોતાનાં માસા-માસી શિવલાલભાઈ-સાંકળીબેન પાસે જેતપુર મુકામે રહેતાં. ૧૯૨૨માં ઝવેરચંદ મેઘાણીનાં દમયંતીબેન સાથેનાં લગ્ન શિવલાલ ગોસલિયાનાં જેતપુર સ્થિત બિલખાનાં ઉતારા તરીકે ઓળખાતા નિવાસસ્થાને થયેલા જે ખાસ ઉલ્લખનીય છે. પરિવાર અને મિત્રોમાં  'રાજુભાઈ'તરીકે ઓળખાતા રાજદેવભાઈ બાળપણથી જ અભ્યાસમાં અવ્વલ. ૧૯૮૦માં વડોદરાની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ઈ. (સિવિલ)ની ડીગ્રી પ્રાપ્ત કરી. શરૂઆતમાં પાંચ વર્ષ મુંબઈની અગ્રણી સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ કંપનીમાં અનુભવ મેળવીને ૧૯૮૫માં રાજકોટ ખાતે સ્વતંત્ર ્પ્રેકટીસ શરૂ કરી. ટૂંકા સમયમાં જ સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશિષ્ટ ખ્યાતિ મેળવી. હાઈ-રાઈઝ બિલ્ડિંગની સ્ટ્રકચરલ ડીઝાઈનનાં સમસ્ત સૌરાષ્ટ્રમાં તેઓ -ણેતા રહ્યા હતા.

સ્વ. રાજદેવ રજનીકાંતભાઈ ગોસલિયાની ૨૩મી પુણ્યતિથિ -૧૫ ઑકટોબર ૨૦૧૯ ને મંગળવારે -રાત્રે ૮.૩૦ કલાકે -રાજકોટ સ્થિત મહાત્મા ગાંધીની તપોભૂમિ રાષ્ટ્રીયશાળા ખાતે સ્મરણાંજલિ'નું આયોજન કરાયું છે. ૩થી ૭ માર્ચ ૧૯૩૯ દરમિયાન ગાંધીજીએ અહિ ઉપવાસ કર્યા હતા. પરિવાર, મિત્રો અને સ્નેહીજનો લાગણીસભર સંભારણાં વાગોળશે તથા જાણીતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ) દ્વારા જૂનાં-ગીતો થકી સ્વરાંજલિ' અર્પણ થશે. સમગ્ર કાર્યકર્મનું સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને રાજદેવ ગોસલિયાના ભાઈ પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે.'સ્વરાંજલિ' કાર્યકર્મ માટે આર્થિક સહયોગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદામીનો છે. રાષ્ટ્રીયશાળાનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. આ કાર્યકર્મને માણવા સહુને જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯),  અજિત નંદાણી (મો. ૯૯૨૪૭૯૧૭૭૦),  ઈલ્યાસ પાનવાલા (મો. ૯૪૨૬૭૩૨૪૨૮), રૂપા ગોસલિયા–મહેતા (મો. ૯૮૭૯૧૩૧૧૨૦, ૯૯૨૫૪૦૪૬૬૫), આશ્લેષા આનંદ મોદી (મો. ૯૮૭૯૧૯૯૧૦૦)નો સંપર્ક કરી શકાશે.

     રાજદેવ ગોસલિયા આપણી વચ્ચે સદેહે નથી પણ તેમનું પ્રેરણાદાયી જીવન અને કાર્યોની ફોરમ, મહેક આજે પણ અંકબંધ છે. એમની સ્મૃતિઓ જીવંત છે. રાજદેવ ગોસલિયા !  તમને અમે ભૂલી નહિ શકીએ !

આલેખન

પિનાકી નાનકભાઇ મેઘાણી

 ઝવેરચંદ મેઘાણી

 સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:23 pm IST)