રાજકોટ
News of Thursday, 10th October 2019

ટોલનાકુ એટલે ભ્રષ્ટાચારનું પ્રવેશદ્વાર

એકલવીર કેશવ પરમારે અવાજ ઉઠાવ્યો : કાલે રાજકોટથી સોમનાથ સુધી પદયાત્રાનો આરંભ : રસ્તાના ઠેકાણા નથી તો ટેક્ષ શા માટે ભરવાનો ? વાહન ચાલકોને થતી હેરાનગતિ સામે જાગૃતિ ઝુંબેશ ચલાવશે

રાજકોટ તા. ૧૦ : રસ્તાના ઠેકાણા ન હોવાથી વાહન ચાલકોને પારાવાર પરેશાની ભોગવવી પડી રહી છે તો ટોલટેક્ષ શા માટે ભરવાનો ? તેવો સવાલ ઉઠાવી રાજકોટના કેશવ પરમારે જોશભેર જનજાગૃતિ અભિયાન આદર્યુ છે.

તેઓએ 'અકિલા' કાર્યાલયે વિગતો વર્ણવતા જણાવેલ કે સરકારની અણધડ નીતિઓ અને તંત્રના ભ્રષ્ટાચારના કારણે આમ નાગરિકોનું જીવન દુશ્કર બની ગયુ છે. લોકોની પરસેવાની કમાણી સરકારની તીજોરીમાં ઠલવાઇ રહી છે. આવા ટોલનાકા એટલે ભ્રષ્ટાચારના પ્રવેશ દ્વાર જ છે. ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેશોદ પાસેના ટોલનાકે રોડ રસ્તા ખરાબ હોવાનો સવાલ ઉઠાવી બેધડક ટોલટેક્ષ નહી ભરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને આ મતલબનો વીડીયો સોશ્યલ મીડીયામાં ખુબ વાયરલ થયો છે.

કેશવ પરમાર કહે છે કે જો સુવિધા આપી શકાતી ન હોય તો ટેક્ષ વસુલવાનો કોઇ અધિકાર નથી. લોકોએ જાગૃત થવાની જરૂર છે. જનતાને જાગૃત કરવા અમે કાલે તા. ૧૧ ના શુક્રવારે પદયાત્રાનું આયોજન કરેલ છે. કાલે સવારે ૮ વાગ્યે કોઠારીયા ગામના ગેઇટથી આરંભ કરી છેક સોમનાથ સુધી પદયાત્રા કરાશે. માર્ગમાં આવતા શહેર અને ગામોના લોકોને સાચો સંદેશો આપી જાગૃત કરવામાં આવશે. સરકારની ભ્રષ્ટ નીતી રીતિને ખુલ્લી પડાશે. ત્રણ દિવસમાં આ પદયાત્રા રૂટ પુરો કરવાની ગણત્રી રાખેલ છે.આ જનજાગૃતિ અભિયાનમાં લોકો વધુ સંખ્યામાં જોડાય તેવી અપીલ કેશવ પરમાર (મો.૮૪૦૧૬ ૧૧૫૪૨) એ કરી છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે જાગૃતિ ઝુંબેશની વિગતો વર્ણવતા કેશવ પરમાર અને તેમના સાથીદારો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:22 pm IST)