રાજકોટ
News of Thursday, 10th October 2019

શ્રીજી ગૌશાળામાં રવિવારે શરદ રાસોત્સવ ઉજવાશે

જૂનાગઢના ગાયક રાજુ ભટ્ટ અને નીરૂ દવે રંગ જમાવશે : ટ્રેડીશ્નલ વેશભૂષામાં વિવિધ ત્રણ ગ્રુપમાં આયોજનઃ વિજેતાઓને ગૌસત્વ પ્રોડકટની કીટ અપાશે : ખેલૈયાઓ સાથે ગૌપ્રેમીઓને પણ સહપરિવાર આમંત્રણ

રાજકોટ, તા. ૧૦ : શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા આયોજીત શરદ રાસોત્સવનું તા.૧૩ના રવિવાર સાંજે ૭ વાગ્યાથી રાસના ખેલૈયાઓથી ગૌશાળા ગુંજી ઉઠશે. શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભૂષા માટે લાખેણા ગૌસત્વ ઈનામો આપવામાં આવશે. જૂનાગઢના પ્રસિદ્ધ લોકગાયક શ્રી રાજુ ભટ્ટ અને કુ.નીરૂ દવે રાસમાં રંગ જમાવશે.

રવિવારની સાંજે સૌ ખેલૈયાઓને જૂનાગઢના પ્રસિદ્ધ લોક ગાયક રાજુ ભટ્ટ અને નીરૂ દવે તથા અવધ ભટ્ટ અને સાથી વૃંદના તાલે ગૌમાતાના આંગણે આયોજીત રાસોત્સવમાં વિવિધ વયજૂથના ખેલૈયાઓમાં બાળકો, પ્રોઢો એમ ત્રણેય જૂથના ૩-૩ મેલ-ફીમેલ શ્રેષ્ઠ ખેલૈયાઓ તેમજ ૨-૨ શ્રેષ્ઠ વેશભૂષાના વિજેતાઓને ગૌસત્વ પ્રોડકટોની કીટોના લાખેણા ઈનામોની પ્રાપ્તિ થશે. રાસોત્સવનું ફેસબુકમાં જીવંત પ્રસારણ કરાશે.

ઉલ્લેખનીય છે કે શ્રીજી ગૌશાળામાં ૧૮૫૦થી વધુ ગૌમાતાઓ રાજમાતાના ઠાઠથી નિવાસ કરે છે. આગામી તા.૧૩ને રવિવાર શરદ પૂર્ણિમા ઉત્સવ સંસ્થાની ઉત્સવી પરંપરાનું જ એક નવુ છોગુ છે. જેમાં ગૌપ્રેમી ખેલૈયાઓથી ગૌશાળાનું પ્રાંગણ છલકાવી દઈ ગૌમાતાના ચોકમાં રાસની રમઝટ બોલાવવા શહેરભરના ખેલૈયાઓને જાહેર નિમંત્રણ અપાયુ છે.

આ અંગે વધુ માહિતી માટે શ્રી પ્રભુદાસભાઈ તન્ના - મો.૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતિભાઈ નગદીયા - મો.૯૪૨૭૪ ૨૯૦૦૧, વિનુભાઈ ડેલાવાળા - મો.૯૪૨૮૨ ૦૦૧૮૧, રમેશભાઈ ઠક્કર - મો.૯૯૦૯૯ ૭૧૧૧૬, ભુપેન્દ્રભાઈ છાંટ, મો.-૯૩૭૬૭ ૩૩૦૩૩, ચંદુભાઈ રાયચુરા, દિલીપભાઈ સોમૈયાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:21 pm IST)