કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં મહોર્રમની તૈયારી કરી રહેલા આસીફ ઠેબાનું વિજકરંટથી મોત
ઝમઝમ ચોક ઇમામ ખાનાની મેડી ઉપર બનાવઃ સિરીઝ ગોઠવતી વખતે બનાવઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં માતમ
રાજકોટ તા. ૧૦: કોઠારીયા સોલવન્ટ રસુલપરા-૧માં મોડી રાત્રે મહોર્રમની તૈયારી રૂપે ઝમઝમ ચોક ઇમામ ખાનાની મેડી પર લાઇટની સિરીઝ ગોઠવતી વેળાએ ૧૯ વર્ષના મુસ્લિમ યુવાનને વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
રસુલપરા-૧ના યુવાનો દ્વારા મહોર્રમની તૈયારી થઇ રહી હોઇ તે અંતર્ગત રાત્રીના ઇમામ ખાનાની મેડી પર બધા યુવાનો લાઇટીંગનું કામ કરી રહ્યા હતાં. જેમાં આસીફ હનીફભાઇ ઠેબા (ઉ.૧૯-રહે. રસપુલપરા) સિરીઝ ગોઠવતો હતો ત્યારે વચ્ચેથી વાયર તૂટેલો હોઇ તેને હાથ અડી જતાં જોરદાર કરંટ લાગ્યો હતો. બેભાન થઇ જતાં તેને બીજા યુવાનોએ તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યાનું જાહેર થતાં માતમ છવાઇ ગયો હતો.
તાલુકા પોલીસને આ અંગે હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે. યુવાન આધારસ્તંભ ગુમાવતાં ઠેબા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.