રાજકોટ
News of Monday, 10th September 2018

૮૧ લાખના ચરસ સાથે ૪ ઝડપાયાઃ મધરાત્રે રાજકોટ પોલીસનું ઓપરેશન

૩ કિલો ચરસની ડિલીવરી આપી આણંદ પહોંચેલા 'ડિલીવરીમેન'ને નાર્કોટીકસ બ્યુરોએ ઝડપી લીધા બાદ રાજકોટ પોલીસને આપેલી અધકચરી 'ટીપ્સ'ના અંકોડા મેળવી એસઓજીની ટુકડીએ સફળતા મેળવી : મહેબુબ ઠેબાને અજમેર દરગાહ નજીક જમ્મુ-કાશ્મીરના યાકુબખાન સાથે મીટીંગ થયા બાદ ચરસનું બીજુ કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું: તાજેતરમાં આવેલુ ૩ કિલો ચરસ ઉપરાંત અગાઉનો પાંચ કિલો જથ્થો મળી આઠ કિલો ચરસ કબ્જેઃ મહેબુબ ઠેબા, ઈલિયાસ સોરા, જાવેદ દલ, રફીક ઉર્ફે મેમણ લોયાને દબોચી લેવાયા : નશાકારક દ્રવ્યોના ધંધાનું રાજકોટનું મુખ્ય પાત્ર મહેબુબ ઠેબાઃ ઉપરના મજલે રહેતા બનેવી જાવેદ દલના ઘેરથી પણ ચરસનો જથ્થો મળ્યોઃ આ ઉપરાંત રફીક ઉર્ફે મેમણના ઘરમાંથી ૫ કિલોથી વધુ ચરસ કબ્જે : ચરસનો જથ્થો 'જાંગડ માલ' તરીકે મોકલાતો હતોઃ પાછળથી કાશ્મીર રાજકોટની એક આંગડીયા પેઢી મારફત રૂપિયા ટ્રાન્સફર થતાઃ રાજકોટ પોલીસે તબક્કાવાર ઉંડી તપાસ હાથ ધરી : મોબાઈલના ચોક્કસ લોકેશન મળ્યા બાદ હેડ કોન્સ. આર. કે. જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ અને ક્રિપાલસિંહની ટુકડી આરોપીઓના રહેણાક ઉપર ત્રાટકીઃ

આજે બપોરે નાર્કોટીકસ બ્યુરોની ટીપ્સના આધારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ટુકડીઓએ ૮૦ લાખથી વધુની કિંમતનું ચરસ ઝડપી લીધુ હતું. આ બારામાં માહિતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહેલા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડી. પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી (ક્રાઈમ) જયદીપસિંહ સરવૈયા અને સફળતા મેળવનાર એસઓજી સહિતનો કાફલો અધિકારીઓની પાછળ ઉભેલો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં ઝડપાયેલા ૪ આરોપીઓ અને કબ્જે થયેલો મુદ્દામાલ નજરે પડે છે (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. જમ્મુ-કાશ્મીરથી આવેલા ૮૧ લાખથી વધુની કિંમતના ૮ કિલો ચરસ સાથે રાજકોટના સંવેદનશીલ જંગલેશ્વર વિસ્તારમાંથી એસઓજીની ટુકડીએ ૪ મુસ્લિમ શખ્સો મહેબુબ ઠેબા, ઈલિયાસ સોરા, જાવેદ દલ, રફીક ઉર્ફે મેમણ લોયાને ઝડપી લઈ સપ્લાય અને ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ભેદવા કવાયત હાથ ધરી છે.

આણંદમાં નાર્કોટીકસ બ્યુરોએ એક શખ્સને ઝડપી લીધો હતો. જેણે રાજકોટમાં તાજેતરમાં ૩ કિલો ચરસ ડીલીવર કર્યાની કબુલાત આપી હતી. બ્યુરો પાસે અડધા-પડધા નામો મોબાઈલ નંબર સાથે આવ્યા હતા. આ ટીપ્સ નાર્કોટીકસ બ્યુરોના અમદાવાદ યુનિટના સુપ્રીટેન્ડન્ટ હરીઓમ ગાંધીએ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીને ગઈકાલે આપતાની સાથે જ ધડાધડ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઈમ  જયદીપસિંહ સરવૈયા અને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.બી. રાઠોડ દ્વારા આ બાતમી સંદર્ભે સફળતા કેવી રીતે મેળવવી ? તે વિશે એક પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આ પ્લાન અંતર્ગત એસઓજીની ટુકડી, ક્રાઈમ બ્રાંચના પીઆઈ હિતેશદાન ગઢવી અને ભકિતનગર પોલીસ ઈન્સ્પેકટર વી.કે. ગઢવી સહિતને કામે લગાડવામાં આવ્યા હતા. આ તમામ અધિકારીઓએ આરોપીઓના મોબાઈલ નંબર આધારે લોકેશન મેળવતા તમામ જંગલેશ્વર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ હોવાનું સપાટી પર આવ્યુ હતું.

ઉપરોકત લોકેશન અંતર્ગત એસઓજીના પોલીસ સબ ઈન્સ્પેટર એચ.એમ. રાણા, પીએસઆઈ સિસોદીયા, હેડ કોન્સ. આર.કે. જાડેજા, વિજયભાઈ શુકલ, રાજુભાઈ ગીડા, મોહીતસિંહ, મનરૂપગીરી ગોસ્વામી, પોલીસ કોન્સ. ચેતનસિંહ ગોહિલ, જીતુભા ઝાલા, ફીરોજભાઈ રાઠોડ, ગીરીરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, વિજેન્દ્રસિંહ ઝાલા, જયંતીગીરી, અનિલસિંહ ગોહિલ, ગીરીરાજસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, મેહુલ મઢવી, કૃષ્ણદેવસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ, ભકિતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ધાખડા તથા મહિલા પોલીસ કોન્સ. દક્ષાબેનની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ. આર.કે. જાડેજા, પોલીસ કોન્સ. જીતુભા ઝાલા, ફીરોજભાઈ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ અને ચેતનસિંહને આરોપી વિશે ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે મહેબુબ ઓસમાણ ઠેબા રહે. જંગલેશ્વર શેરી નં. ૧૩/૧૯ના રહેણાક મકાનમાં દરોડો પાડતા મહેબુબ ઠેબા ઉપરાંત તેનો સાગ્રીત ઈલિયાસ હારૂનભાઈ સોરા મળી આવ્યા હતા. આ બન્નેને સકંજામાં લઈ ઘરની ઝડતી કરવામાં આવતા કબાટ ઉપરના માળીયામાં છુપાવેલો ૧.૧૦ કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેનુ એફએસએલ પરીક્ષણ કરાવી આંતરરાષ્ટ્રીય બજાર કિં. ૧૦ લાખ, ૧૦ હજાર ગણી કબ્જે કરવામાં આવ્યુ હતું. મહેબુબની અંગજડતી દરમિયાન તેના ખિસ્સામાંથી ૭૭૦૦ રોકડા તથા ૩ મોબાઈલ ફોન (કિં. આશરે ૧૫૦૦) મળી આવ્યા જે કબ્જે કરવામાં આવ્યા હતા. મહેબુબની વિશિષ્ઠ પૂછપરછમાં તેના મકાનના ઉપરના માળે રહેતા તેના બનેવી જાવેદ ગુલમહમદ દલને તેણે બે કિલો ચરસનો જથ્થો આપ્યાનું કબુલ્યુ હતું. આ માહિતીના આધારે તૂર્ત જ એફએસએલ અને પંચો સાથે ઉપરના મકાનમાં રેઈડ કરતા જાવેદ ગુલમહમદ દલ પણ મળી આવ્યો હતો. ઘરની જડતીમાં બાથરૂમના ઉપરના ભાગે ખુલ્લા માળીયામાં સુકા ખાસ નીચે છુપાવેલુ ૨.૦૨૪ કિલોગ્રામ ચરસ જેની વૈશ્વિક કિં. ૨૦,૨૪,૦૦૦ થાય છે તે કબ્જે કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત મહેબુબની કબુલાતના આધારે તેણે જંગલેશ્વર શેરી નં. ૧૧માં તેના મિત્ર રફીક ઉર્ફે મેમણને ૫ કિલો ચરસનો જથ્થો છુપાવવા આપ્યાનું જણાવ્યુ હતું. જેના આધારે રેઈડ કરી રફીક ઉર્ફે મેમણ હબીબભાઈ લોયા મળી આવ્યો હતો. તેની ઓરડીની જડતીમાં લાકડાના મેડામાં એક થેલામાં છુપાવેલુ ૫.૦૯૮ કિલોગ્રામ ચરસ જેની કિંમત ૫૦,૯૮,૦૦૦ થાય છે. તે મળી કુલ ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ (૮૧ લાખ ૩૨ હજાર) ઉપરાંત ૭,૭૦૦ રોકડા અને ૩ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા.

ઝડપાયેલા ચારેય શખ્સો સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦-બી (ાંાં) સી તથા ૨૯ મુજબનો ગુન્હો ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધી આરોપીઓએ જથ્થો કોના-કોના મારફત મેળવ્યો ? અને કોને-કોને કેવી રીતે સપ્લાય કરવાનો હતો ? તે અંગે પૂછપરછ શરૂ કરી છે. વધુ તપાસ ભકિતનગર પી.આઈ. વી.કે. ગઢવી ચલાવી રહ્યા છે.

રાજકોટના યુવાનો-વિદ્યાર્થીઓને પાંગળા કરતી આ બદીને ડામી દેવા પોલીસ કટીબદ્ધઃ મનોજ અગ્રવાલ

રાજકોટ, તા. ૧૦ :. આજે ઉપરોકત વિગતો આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, નાર્કોટીકસ બ્યુરોની ટીપ્સના આધારે રાજકોટ પોલીસે યુવાધનને બરબાદ કરતો મોટો નશાકારક ચરસનો જથ્થો ઝડપી લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરથી રાજકોટ સુધીનું નેટવર્ક અને રાજકોટમાં તેના વપરાશકારો સુધી નશાકારક પદાર્થ પહોંચાડવાનું લોકલ નેટવર્ક ભેદવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ. હરહાલમાં રાજકોટની શાળા-કોલેજ આસપાસ વિદ્યાર્થીઓમાં ધીમા પગલે આ ફેલાય રહેલી આ બદીને ડામવા અમે કટીબદ્ધ છીએ.

(3:18 pm IST)