રાજકોટ
News of Monday, 10th September 2018

બંધના એલાનમાં રાજકોટમાં ઠેર-ઠેર જડબેસલાક બંદોબસ્ત

ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન હેઠળ ચાંપતો બંદોબસ્ત : પોલીસ અધિકારીઓ સહીત ૪૦૦, એલ.આર.૬૦ તથા એસઆરપીની ટુકડી તૈનાત

રાજકોટ, તા., ૧૦: મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વધારાના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે બંધના એલાનમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમ માટે રાજકોટ શહેરનાં તમામ વિસ્તારોમાં પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે વિરોધ દર્શાવવા શાળા-કોલેજો અને બજારો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં જે વધારો થયો છે તેના કારણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મોંઘીદાટ બની છે. સામાન્ય પરીવારનું બજેટ વેરવિખેર બની ગયું છે. આ સંજોગોમાં દેશભરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને પગલે રાજકોટમાં પણ આ બંધના એલાન પાછળ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં પોલીસ કમિશ્નર, જોઇન્ટ કમિશ્નર સહીતના ઉચ્ચ અધિકારીઓ સહિતના ૪૦૦નો સ્ટાફ તથા ટ્રેનીંગ પામેલા એલઆર-૬૦ અને એક એસઆરપીના જવાનોને પણ તૈનાત કરી દેવાયા છે.

પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા એસટી બસ સ્ટેશનના ત્રિકોણબાગ, માલવીયા ચોક, સિવિલ હોસ્પીટલ ચોક, આરએમસી ચોક, ગોંડલ રોડ, એસ્ટ્રોન ચોક અને વિરાણી ચોક ખાતે પેટ્રોલીંગ અને બંદોબસ્ત તથા બી ડીવીઝન પોલીસ મથક હેઠળના કુવાડવા રોડ આશ્રમ પાસે, નાગબાઇ પાન, ડીલકસ ચોક તથા ગ્રીનલેન્ડ ચોકડી પાસે બંદોબસ્ત તથા આજી ડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં આજી ડેમ ચોકડી, ગોંડલ ચોકડી, કોઠારીયા ચોકડી, સરધાર તથા ત્રંબા ગામ સુધી સઘન પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે. જયારે થોરાળા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે અને ટ્રેકટર ચોકમાં કેટલાક શખ્સોએ ટાયરો સળગાવતા આ અંગેની જાણ થતા થોરાળા પોલીસ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી તથા ભકિતનગર વિસ્તારમાં મક્કમ ચોક, ભુતખાના ચોક, અટીકા ફાટક, સોરઠીયાવાડી સર્કલ્, ભકિતનગર સર્કલ તથા હુડકો ચોકડી ખાતે ભકિતનગર પોલીસે સઘન પેટ્રોલીંગ તથા માલવીયા નગર પોલીસે મવડી ચોકડી, નાનામવા સર્કલ, કે.કે.વી.હોલ ચોક, કાલાવડ રોડ કોટેચા ચોક, જલારામ પેટ્રોલ પંપ પાસે, પી.ડી.માલવીયા કોલેજ પાસે, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાસે તથા ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાસે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ સહીતના સ્ટાફ દ્વારા કુવાડવા ગામ, સાત હનુમાન, માલીયાસણ, વાંકાનેર ચોકડી, બેડી, મોરબી રોડ, મારવાડી કોલેજ, અર્પીત કોલેજ, હડાળા ગામ, આઇઓસી ડેપો, તરઘડીયાથી હિરાસરના પાટીયા સુધી સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે

 

(11:47 am IST)