રાજકોટ
News of Wednesday, 10th August 2022

સોની બજારમાં ચાર માળના બિલ્‍ડીંગમાં આગથી મોટુ નુકસાનઃ ફાયર બ્રિગેડે લોકોના જીવ બચાવી લીધા

ટેરેસ પરની કેન્‍ટીનમાં આગ ભભૂકતાં નાસભાગઃ ગીચ વિસ્‍તારમાં ફાયર ફાઇટરો પહોંચાડવામાં ભારે તકલીફ પડી

તસ્‍વીરમાં સોની બજારમાં જ્‍યાં આગ લાગી હતી એ બિલ્‍ડીંગ અને ટોળે વળેલા લોકો તથા ફાયર બ્રિગેડ સ્‍ટાફ અને આગના દ્રશ્‍યો તેમજ તેના કારણે થયેલી નુકસાનીના દ્રશ્‍યો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૨૦)

રાજકોટ તા. ૧૦: શહેરની સોની બજારમાં સવજીભાઇની શેરીમાં આવેલી પરમેશ્વરી હબ તન્‍વી ગોલ્‍ડ કાસ્‍ટ નામની ચાર માળની બિલ્‍ડીંગના ટેરેસ પર બનાવાયેલી કેન્‍ટીનમાં ગત સાંજે આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને બિલ્‍ડીંગમાં કામ કરી રહેલા અઢીસો જેટલા કર્મચારીઓને ઉગારી લીધા હતાં.

જ્‍યાં આગ લાગી એ ગીચ વિસ્‍તાર હોઇ અને ગઇકાલે શહેરમાં ઠેકઠેકાણે તાજીયાના ઝુલૂસ નીકળ્‍યા હોઇ એ કારણે ફાયર ફાયટરોને સ્‍થળ પર પહોંચવામાં તકલીફ પડી હતી. આમ છતાં ફાયર બ્રિગેડની ટીમોએ આ બિલ્‍ડીંગમાં અઢીસો જેટલા લોકો હતાં એ તમામને હેમખેમ બચાવી લીધા હતાં. પરમેશ્વરી હબ નામના બિલ્‍ડીંગમાં તન્‍વી ગોલ્‍ડ કાસ્‍ટ નામની પેઢી છે. જેમાં મહિલા-પુરૂષ મળી અઢીસો કર્મચારીઓ કામ કરે છે. આ તમામ આગને કારણે ગભરાઇ ગયા હતાં અને અફડાતફડી મચી ગઇ હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળતાં દૂર સુધી દ્રશ્‍યો જોવા મળ્‍યા હતાં.

બનાવને પગલે ચીફ ફાયર ઓફિસર ખેર, ઠેબા, ઝીંઝુવાડીયા, દવે, શૈલેષભાઇ, ધ્રુવભાઇ, રસિકભાઇ, જયસુખભાઇ, ધીરેન્‍દ્રસિંહ સહિતના પહોંચ્‍યા હતાં. ત્રણ ફાયર ફાઇટરોની મદદથી અડધા કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી. બિલ્‍ડીંગમાં ફાયર સિસ્‍ટમ ફીટીંગ હોઇ તેમાં ટુવે દ્વારા ફાયર ફાઇટરમાંથી કનેક્‍ટ કરી પાણીનો મારો ચલાવાયો હતો. તન્‍વી ગોલ્‍ડ કાસ્‍ટના સ્‍ટાફે પણ ફાયર સમનના સાધનો અને ફાયર સિસ્‍ટમ ચાલુ કરી આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતાં. બનાવ સ્‍થળે તન્‍વી ગોલ્‍ડ કાસ્‍ટના માલિક બિપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા અને પીજીવીસીએલ, પોલીસ સ્‍ટાફ, મામલતદાર તથા એફએસએલ અધિકારી પણ પહોંચ્‍યા હતાં.

આગ બિલ્‍ડીંગ ઉપરની કેન્‍ટીનમાં લાગી હતી. તેના કાચ આગને કારણે ફુટી જતાં અને ફર્નિચર બળી જતાં મોટી નુકસાની થઇ હતી. શોર્ટ સરકિટથી આગ લાગી હોવાની પ્રાથમિક શક્‍યતા દર્શાવાઇ હતી. એફએસએલ દ્વારા આગનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષી અને ટીમ પણ તુરત પહોંચ્‍યા હતાં અને ટ્રાફિક જામ ન થાય તે માટે બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો

(10:48 am IST)