રાજકોટ
News of Monday, 10th August 2020

પોલીસ હોય તો શું થયું, અંદર તો જવા જ નહિ દઇએ, તમે અમારો સાતમ-આઠમનો તહેવાર બગાડવા આવો છો...બે શખ્સે કરી ફરજમાં રૂકાવટ

આજીડેમ પોલીસ કોઠારીયા સોલવન્ટ પાસે ઉકાભાઇના ડેલામાં જૂગારનો દરોડો પાડવા જતાં માથાકુટઃ ગોપાલ અને શૈલેષ ડેલા આડે ઉભા રહી ગયા અને હવે પછી આ લત્તામાં આવશો તો એટ્રોસીટીની ફરિયાદ કરશું તેવી ધમકી પણ દીધાનો ફરિયાદમાં આરોપઃ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવીઃ ડેલામાં જો કે જૂગારની પ્રવૃતિ જોવા મળી નહિ

રાજકોટ તા. ૧૦: કોરોના ઉપાડો લઇને ઉઠ્યો હોઇ અને સાતમ-આઠમના તહેવારમાં બહાર ફરવા જવા પર પણ પ્રતિબંધ મુકાઇ ગયો હોઇ લોકોને ફરજીયાત ઘરમાં રહેવું પડશે. આ દિવસોમાં ઠેકઠેકાણે જૂગારના શોખીનો પણ પત્તા ટીચવા બેસી જશે. રવિવારે આજીડેમ પોલીસ કન્ટ્રોલ રૂમની બાતમીને આધારે કોઠારીયા સોલવન્ટમાં જૂગારનો દરોડો પાડવા પહોંચી ત્યારે ડેલા આડે બે શખ્સોએ ઉભા રહી જઇ 'અંદર તો જવા જ નહિ દઇએ, તમે અમારો સાતમ-આઠમનો તહેવાર બગાડવા આવો છો, પોલીસ હોય તો શું થઇ ગયું, હવે આવશો તો એટ્રોસીટી કરી દઇશું'...તેમ કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ બારામાં આજીડેમ પોલીસ મથકના ડી. સ્ટાફના કોન્સ્ટેબલ શૈલેષભાઇ નેચડાએ કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટર નાગબાઇ શેરી નં. ૫ દ્વારકેશ ગોૈશાળાવાળી શેરીમાં રહેતાં ગોપાલ રેવાભાઇ રાઠોડ તથા શૈલેષ ચનાભાઇ પડાયા વિરૂધ્ધ આઇપીસી ૧૮૬, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે.

શૈલેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ રાુભાઇએ ફોનથી જાણ કરી હતી કે કોઠારીયા સોલવન્ટ દ્વારકેશ ગોૈશાળાવાળી શેરીમાં બ્લુ કલરના ડેલામાં ઉકાભાઇ જૂગાર રમાડે છે...આ મેસેજને આધારે પંચોને સાથે રાખી પોતે તથા સાથેના કોન્સ. કુલદિપસિંહ જાડેજા, કોશેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. દ્વારકેશ ગોૈશાળાવાળી શેરી ત્રણ માળીયા પાસે ઉકાભાઇના ડેલા પાસે બે શખ્સ ઉભા હોઇ તેનું નામ પુછતાં પોતાના નામ ગોપાલ રાઠોડ અને શૈલેષ પડાયા જણાવ્યા હતાં.

આ બંનેએ પોલીસને જોઇને તમે અહિ કેમ આવ્યા છો? પુછતાં ઉકાભાઇના ડેલામાં જૂગારની બાતમી હોઇ દરોડો પાડવાનો છે તેમ કહેતાં આ બંને ડેલા આડે ઉભા રહી ગયા હતાં અને કહેવા માંડ્યા હતાં કે-ડેલામાં તો જવા જ નહિ દઇએ, તમે પોલીસ અમારો સાતમ-આઠમનો તહેવાર બગાડવા આવો છો, હવે પછી અમારા લત્તામાં કયારેય આવતાં નહિ, પોલીસ હોય તો શું થયું? તેમ કહી ગાળો પણ દીધી હતી.

આ ઉપરાંત બંનેએ પોલીસ ઉપર એટ્રોસીટીની ફરિયાદ કરવાની ધમકી પણ આપી ફરજમાં રૂકાવટ કરી હતી. અંતે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મથકે લાવ્યા હતાં. ડેલાની અંદર તપાસ કરતાં જૂગારની પ્રવૃતિ જોવા મળી નહોતી. તેમ ફરિયાદમાં વધુમાં જણાવાતાં પીએસઆઇ એમ. એમ. ઝાલાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(12:53 pm IST)