રાજકોટ
News of Friday, 10th August 2018

કોલેજ-સ્કૂલો આસપાસ 'એન્ટી રોમિયો ડ્રાઈવ': કોલેજીયન યુવતિઓની અવર-જવરની જગ્યાએ પડયા-પાથર્યા રહેતા લફંગાઓની શાન ઠેકાણે લાવતી ક્રાઈમ બ્રાંચ

રાજકોટઃ. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં વાહન ચેકીંગ, હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન, ટ્રાફીક નિયમન માટેની ઝુંબેશ, ગુન્હાહીત તત્વોને શોધી કાઢવા ખાસ ડ્રાઈવ સહિતની કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે. આ વચ્ચે આજે શાળા-કોલેજ આસપાસ પડયા-પાથર્યા રહેતા 'રોમિયો'ની શાન ઠેકાણે લાવવા ક્રાઈમ બ્રાંચની ટુકડીએ દંડા પછાડયા હતા. કોલેજીયન યુવતીઓ અને શાળાએ જતી વિદ્યાર્થીનીઓની અવરજવરવાળી જગ્યા ઉપર બાઈક-સ્કૂટરના સ્ટેન્ડ ચડાવી જમેલો કરતા લફંગા યુવકોને ઉઠબેસ કરાવવામાં આવી હતી. બીજી વખત આવુ વર્તન કરતા અટકે તે માટે તેમના વાલીઓને પણ ટેલીફોનિક જાણ કરી પોતાના સંતાનોને કંટ્રોલ કરવા સલાહ આપવામાં આવી હતી. તસ્વીરમાં પીએસઆઈ અતુલ સોનારા, રામ આહિર, ઘનુભા ચૌહાણ સહિતની ટુકડી રોમિયોને પાઠ ભણાવતી નજરે પડે છે. આત્મીય કોલેજ, મહિલા કોલેજ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ, કણસાગરા કોલેજ, રાષ્ટ્રીય શાળા નજીક આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓએ કુતુહલવશ પોલીસની કાર્યવાહીને સ્કૂલ કેમ્પસની અંદરથી નિહાળી હતી જે તસ્વીરમાં નજરે પડે છે (ફોટોઃ સંદીપ બગથરીયા)(૨-૨૦)

(4:03 pm IST)