રાજકોટ
News of Friday, 10th August 2018

મોરબી રોડના કારખાનામાં થયેલી ૨.૨૪ લાખની ચોરીમાં ચાર મિત્રોને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

કારખાનામાં જ કામ કરતાં રવિ ભાલુએ મોજશોખ માટે પૈસા ખુટતાં ત્રણ મિત્રો સુનિલ, રાહુલ અને કિશનનો સાથ મેળવી હાથફેરો કર્યો'તોઃ તમામ મુદ્દામાલ કબ્જે

લાલપરીના બાળકોના સ્મશાનની ઓરડી પર ચોરાઉ માલ છુપાવ્યો'તોઃ વેંચે એ પહેલા ચારેયને પકડી લેવાયા  હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી કાર્યવાહી

પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમ તથા ઝડપાયેલા ચારેય શખ્સો અને કબ્જે થયેલો મુદ્દામાલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૦:  મોરબી રોડના પુલ પાસે વેલનાથપરા નજીક આવેલા પટેલ વેપારીના ઇમિટેશનના કારખાનામાંથી ત્રણ દિવસ પહેલા રૂ. અઢી લાખની મત્તા ચોરાઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે આ ચોરીનો ભેદ ઉકેલી નાંખી ચાર શખ્સને પકડી લઇ મુદ્દામાલ કબ્જે લીધો છે. જે પૈકી એક શખ્સ આ કારખાનામાં જ કામ કરે છે. મોજ શોખ માટે પૈસા ખુટતા હોઇ તેણે બીજા ત્રણ મિત્રોની મદદથી આ ચોરી કરી હતી. આ ચારમાં એક જણ અગાઉ હોમગાર્ડ જવાનનું હોન્ડા સળગાવવાના ગુનામાંપણ પકડાઇ ચુકયો છે.

મોરબી રોડ જકાત નાકા પાસે સત્નામ પાર્ક બ્લોક નં. ૨૦૪માં રહેતાં પ્રવિણભાઇ કરસનભાઇ વિરાણી (પટેલ) (ઉ.૪૭)ના પર્લ ઇન્ટરનેશનલ ડાયમન્ડ રોલ્સ એન્ડ જોબવર્ક નામના કારખાનામાં ગયા મંગળવારે ચોરી થઇ હતી. પોલીસે તપાસ કરતાં તસ્કરો ડેલો ઠેંકીને અંદર ઘુસ્યા બાદ શટરને ગણેશીયા કે બીજા કોઇ હથીયારથી ઉંચકાવીને પ્રવેશ્યા હતાં અને છ ડાઇ તથા ૭૫ ડાયમન્ડ રોલ મળી કુલ રૂા. ૨,૫૬,૫૦૦ની મત્તા ચોરી ગયાની ખબર પડતાં તે મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ એમ. ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ સુચના આપતાં પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અનિલભાઇ સોનારા, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહને બાતમી મળી હતી કે આ ચોરીમાં રવિ પરષોત્તમભાઇ ભાલુ (ઉ.૧૯-રહે. જય જવાન જય કિસાન સોસાયટી-૫), સુનિલ રમેશભાઇ ધરજીયા (ઉ.૧૯-રહે. લાલપરી મફતીયાપરા), રાહુલ ઉર્ફ છોટો કિશોરભાઇ મકવાણા (ઉ.૧૮-રહે. મોરબી રોડ ૨૫ વારીયા કવાર્ટર ૫૪/૩) તથા કિશન મનસુખભાઇ સિતાપરા (ઉ.૧૯-રહે. મોરબી રોડ લાલપરી સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે) વાળા સંડોવાયા છે.

આ બાતમીને આધારે ચારેયને મોરબી રોડ લાલપરી સ્મશાન પાસેથી દબોચી લીધા છે. તેની પાસેથી ડાયમંડની ડાઇ છ નંગ રૂા. ૧,૬૦,૫૦૦ની તથા ડાયમંડ રોલ ૭૫ નંગ રૂ. ૬૩૭૫૦ના મળી કુલ રૂ. ૨,૨૪,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ઝડપાયેલાઓમાં રાહુલ ઉર્ફ છોટો અગાઉ બી-ડવીઝન પોલીસની હદમાં એક વર્ષ પહેલા હોમગાર્ડ જવાનનું વાહન સળગાવવાના ગુનામાં પકડાયો હતો.(૧૪.૧૧)

 

(4:03 pm IST)