રાજકોટ
News of Friday, 10th August 2018

મચ્છરોનો આતંક ડેન્ગ્યુ-મેલેરિયાના પ કેસ : ૧ બાળકનું મૃત્યુ

આરોગ્ય તંત્ર જાગશે ? : સ્કૂલો-કોલેજોમાં મચ્છર નાબુદીની ઝુંબેશ જરૂરી : છેલ્લા અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના ૯૪ અને તાવના ર૦૦થી વધુ દર્દીઓ નોંધાયા

મચ્છર નાબુદી માટે દવા છંટકાવ : શહેરમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા મેલેરીયા વિભાગ દ્વારા ૩૭૮૦ મકાનોમાં ફોગીંગ ખાડાઓમાં દવા છંટકાવ તથા મચ્છરોના ઉપદ્રવ અંગે ૩૮૬ લોકોને પ૩ હજારનો દંડ ફટકાર્યો હતો  તસ્વીરમાં દવા છંટકાવ ત્થા ફોગીંગ થઇ રહેલું દર્શાય છે.

રાજકોટ તા. ૧૦ :.. શહેરમાં છેલ્લા એક મહીનાથી માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાં કારણે મચ્છર જન્ય મેલેરિયા-ડેંગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. આથી છેલ્લા અઠવાડીયામાં ડેંગ્યુનાં મેલેરીયાના કુલ પાંચ કેસ મળી આવ્યા છે અને ડેંગ્યુનાં કારણે ૪ વર્ષનાં બાળકનું આજે મૃત્યુ થતાં કોર્પોરેશનના આરોગ્ય તંત્રની બેદરકારી સામે લોક રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ છેલ્લા અઠવાડીયામાં ડેંગ્યુનાં બે કેસ નહેરૂનગર ત્થા ગંજીવાડા વિસ્તારમાં નોંધાયા હતાં અને મેલેરીયાનાં ૩ કેસ પણ છેલ્લા અઠવાડીયામાં નોંધાયા છે.

દરમિયાન  આજે કાલાવડ રોડ વિસ્તારમાં એક ૪ વર્ષનાં માસૂમ બાળકનું પણ ડેગ્યુને કારણે મોત નીપજયુ હતું.

આમ મચ્છરોનો આતંક વધ્યો છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય તંત્ર દ્વારા સ્કુલો અને કોલેજોમાં મચ્છર નાબુદી માટે ખાસ દવા છંટકાવ ઝૂંબેશ અને મચ્છર ઉત્પતી અટકાવવા શાળા-સંચાલકોને નોટીસ - દંડ વગેરેની કાર્યવાહી જોર-શોરથી થવી જોઇએ તેવી લોકમાંગ ઉડી છે. જેથી કુમળા બાળકો ડેંગ્યુ-મેલેરીયાનો ભોગ ન બને.

આ ઉપરાંત છેલ્લા અઠવાડીયામાં ઝાડા-ઉલ્ટીનાં ૯૯, તાવના ર૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે. (પ-ર૭)

(3:42 pm IST)