રાજકોટ
News of Friday, 10th August 2018

લોધીકાના રાવકીમાં ભેલાણ કરનાર ભરવાડ શખ્સને ટપારતાં પટેલ પ્રોૈઢ પર ટોળાનો હુમલો

પંદરેક ભરવાડ શખ્સો તૂટી પડ્યાના આક્ષેપ સાથે કુરજીભાઇ પાનસુરીયાને લોહીલુહાણ હાલતમાં એસપી કચેરીએ લાવી રજૂઆતઃ સામા પક્ષે ધર્મેશ ભરવાડ પણ પટેલ લોકોએ માર માર્યાના આક્ષેપ સાથે દાખલ થયો

તસ્વીરમાં ઇજાગ્રસ્ત કુરજીભાઇ પટેલ, સામા પક્ષનો ધર્મેશ ભરવાડ અને પટેલ લોકોએ એસપી કચેરીએ રજૂઆત કરી તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: લોધીકાના રાવકી ગામમાં રહેતાં લેઉવા પટેલ પ્રોૈઢ પર રાત્રે નવેક વાગ્યે પંદરેક ભરવાડ લોકોના ટોળાએ હુમલો કરી મુંઢ માર મારી તેમજ માથામાં પાઇપ ફટકારી દેતાં તેમને લોહીલુહાણ હાલતમાં રાજકોટ એસપી ઓફિસે લાવવામાં આવ્યા હતાં. પટેલ સમાજના લોકોએ તાત્કાલીક પગલા લેવા રજૂઆત કરી હતી અને બાદમાં પ્રોૈઢને સારવાર માટે દાખલ કરાયા હતાં. સામા પક્ષે ભરવાડ યુવાન પણ પોતાના પર પટેલ લોકોએ હુમલો કર્યાની રાવ સાથે દાખલ થયો હતો. પટેલની વાડીમાં ભરવાડ શખ્સે ભેલાણ કરાવતાં આ માથાકુટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

જાણવા મળ્યા મુજબ રાવકી રહેતાં કુરજીભાઇ જીવરાજભાઇ પાનસુરીયા (ઉ.૫૦) નામના પટેલ પ્રોૈઢ રાત્રે નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે પાગા ભરવાડના છોકરા અને બીજા તેર-ચોૈદ ભરવાડ શખ્સોએ ધસી આવી હુમલો કરી માર મારી માથામાં પાઇપ ફટકારતાં તે લોહીલુહાણ થઇ ગયા હતાં. બનાવને પગલે પરિવારજનો અને બીજા પટેલ લોકો ભેગા થઇ જતાં ભરવાડ શખ્સો ભાગી ગયા હતાં. ગામમાં આ બનાવથી દોડધામ મચી ગઇ હતી.

કુરજીભાઇને લોહીલુહાણ હાલતમાં પટેલ સમાજના લોકો રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યા હતાં અને એસપી બલરામ મીના સમક્ષ રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી અવાર-નવાર ભરવાડ શખ્સો પટેલ લોકોના ખેતરમાં ઘેંટા-બકરા-ઢોર છુટા મુકી ભેલાણ કરાવી માથાકુટ કરતાં હોઇ આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય તેવી રજૂઆત કરી હતી. કુરજીભાઇને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ લોધીકા પોલીસને જાણ કરી હતી. જેમાં જુની અદાવતને લીધે પાગા ભરવાડના છોકરા તથા બીજા ૧૩-૧૪ જણાએ હુમલો કર્યાનું નોંધાવાયું હતું.

કુરજીભાઇએ પુછતાછમાં કહ્યું હતું કે અગાઉ પણ તેના ખેતરમાં ભેલાણ થયું હતું અને ગઇકાલે પણ બકરા ખેતરમાં ચરવા મુકી દેવાયા હતાં. જે બાબતે ભરવાડના છોકરાને ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી રાત્રે ઘરે ટોળુ ધસી આવ્યું હતું અને હુમલો કર્યો હતો.

સામા પક્ષે રાવકીનો ધર્મેશ કુંભાભાઇ મેવાડા (ઉ.૨૨) નામનો ભરવાડ યુવાન પણ સિવિલમાં દાખલ થયો હતો. તેણે પોતાના પર જુના મનદુઃખને લીધે કુરજી પટેલ, વાઘા લક્ષમણ સહિતે ગામના ચોરા પાસે હુમલો કરી મુંઢ મારી મારી નસકોરી ફોડી નાંખ્યાનું કહેતાં તે અંગે લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. ધર્મેશના કહેવા મુજબ તેના બકરા ભુલથી પટેલના ખેતરમાં જતાં રહેતાં માથાકુટ થઇ હતી. લોધીકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:49 am IST)