રાજકોટ
News of Friday, 10th July 2020

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં સમાધાનનો તખ્તો તૈયાર

સહકારી ક્ષેત્રે કોઇ પાણીમાં, કોઇ પાણી બતાવવા તૈયાર, કોઇની મહેનત પર પાણી : વિજય સખિયા કહે છે સમાધાનની વાત ચાલે છે, ફોર્મ પાછુ ખેંચ્યુ નથી

રાજકોટ તા. ૧૦ :.. જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ગઇકાલે ખેતીની રાજકોટ બેઠક પર જયેશ રાદડિયાની પેનલના સત્તાવાર ઉમેદવાર શૈલેષ ગઢિયા સામે જિલ્લા ભાજપ જુથના ઉમેદવાર મનાતા વિજય સખિયાએ બળવો કરી ફોર્મ ભરતા ગઇ સાંજથી સમાધાનના પ્રયાસો શરૂ થયેલ. સમાધાન બેઠકમાં ભાગ લેનાર આગેવાનો ઘીના ઠામમાં ઘી પડી ગયાનું જણાવે છે. જો કે હજુ ખુદ વિજય સખિયાએ સમાધાન માટે ચર્ચા ચાલુ હોવાનું જણાવ્યુ છે. સહકારી ક્ષેત્રે દરેક પોતાના સ્વાર્થ માટે મત આધારિત 'રમત' રમી રહ્યા હોય તેવુ લાગે છે.

ગઇકાલે જયેશ રાદડિયા, વિજય સખિયા, હરદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ રાણપરીયા, ડી. કે. સખિયા, નીતિન ઢાંકેચા વગેરેની સંયુકત બેઠક મળેલ. જયેશ રાદડીયાએ પોતે શહેર ભાજપના જૂથના દબાણથી શૈલેષ ગઢિયાની પસંદગી કર્યાનું નકારેલ. વિજય સખિયાને અન્યત્ર કયાંય સમાવેશ કરવાનું આશ્વાસન આપતા સમાધાનનો તખ્તો તૈયાર થયો હતો. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનો મુદ્ે પણ ચર્ચામાં ઉછળ્યો હતો.

શૈલેષ ગઢિયા બિનહરીફ વિજેતા બને તે જિલ્લા ભાજપ વિરોધી જુથનો હાથ ઉપર રહ્યાની છાપ પાડે છે. જો  કે જિલ્લા ભાજપ જુથ આ બાબત નકારી જણાવે છે કે અમે હથિયાર હેઠા મૂકયા નથી. પણ વ્યુહાત્મક સમાધાન કર્યુ છે. હાઇકમાન્ડનું દબાણ હોવાનું પણ આ જૂથ નકારે છે. સમાધાનમાં ગોવિંદભાઇ રાણપરીયાની ભૂમિકા મહત્વની રહી છે. વિજય સખિયા ફોર્મ પાછૂ ખેંચી લેશે તેમ આ જૂથના વર્તુળો જણાવે છે.

દરમિયાન વિજય સખિયાએ આજે સવારે અકિલાને જણાવેલ કે મને ચૂંટણી લડાવવા માટેનું વચન આપવામાં આવ્યા પછી મારી બદલે બીજાની પસંદગી કરવામાં આવી છે. ગઇકાલે બપોર પછી બેઠક થઇ છે. સમાધાનની વાત ચાલે છે. ફોર્મ પાછૂ ખેંચવાની તા. ૧૩ સુધીની મુદત છે. ઉકેલ સંતોષકારક જણાય તો સાથીઓ સાથે ચર્ચા કરીને ફોર્મ પાછૂ ખેંચી લઇશ.

(11:36 am IST)