રાજકોટ
News of Tuesday, 10th July 2018

વેરાવળમાં ઇરફાન મન્સુરી, તેના પત્નિ અને સાળા પર છરી-ધોકાથી હુમલો

રાજકોટ ખસેડાયાઃ પડોશી શરીફ ચિનોઇ, તેના પિતા, ભાઇ દારૂ પી ખેલ કરતાં હોઇ ટપારતાં માથાકુટ થઇ

રાજકોટ તા. ૧૦: વેરાવળ (સોમનાથ)માં દિવાનીયા સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક ઇરફાન સલિમભાઇ મન્સુરી (ઉ.૩૭), તેના પત્નિ રઝીયા ઇરફાન મન્સુરી (ઉ.૩૫) તથા સાળા અફઝલ નુરમહમદ (ઉ.૨૩) પર રાત્રે દોઢેક વાગ્યે પડોશી શરીફ ચિનોઇ, તેના પિતા, ભાઇ સહિતનાએ હુમલો કરી છરી-ધોકાથી ઇજા કરતાં ત્રણેયને વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ઇરફાનને પેટમાં છરી ઝીંકાઇ હતી. જ્યારે તેના પત્નિ-સાળાને ધોકાથી માર મારવામાં આવ્યો હતો. ઇરફાનના કહેવા મુજબ શરીફ સહિતના અવાર-નવાર દારૂ પી ઘર પાસે અપશબ્દો બોલે છે. ત્રણ માસ પહેલા આ બાબતે સમાજમાં અમે તેના વિરૂધ્ધ રજૂઆત કરી હોઇ તે કારણે મનદુઃખ ચાલતું હતું. ગત રાત્રે તેનો ખાર રાખી ઝઘડો કરી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે વેરાવળ પોલીસને જાણ કરી હતી.

(12:19 pm IST)