રાજકોટ
News of Tuesday, 10th July 2018

રાજકોટ ડેરી દ્વારા દુધ ઉત્પાદક માટે ફેટે વધુ રૂ. ૧૦ નો વધારો : અમૂલ દાણ વિતરણ

રાજકોટ તા. ૧૦ : જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરિયાએ છેલ્લા એક માસમાં ત્રિજી વખત  ભાવ વધારો કરવાની જાહેરાત કરતા દુધ ઉત્પાદકોના આ કઠિન સમયમાં આનંદ પ્રસરી ઉઠ્યો છે. છેલ્લા ૨૦-૨૫ દિવસથી વરસાદ ખેચાતા દુધ ઉત્પાદકો માટે કઠિન સમય આવી રહ્યો હોય તેવુ અનુભવતા હતા. ખાસ કરીને પશુઓને ખવડાવતા ઘાસચારા તેમજ ખાણદાણમાં સતત વધતા જતા ભાવથી દુધ ઉત્પાદન  ખર્ચ વધતો જતો હતો.  આવી પરિસ્થિતીમાં દુધ ઉત્પાદકોને  સતત એક માસમાં ત્રણ વખત ભાવ વધારો કરી સાચા અર્થમાં દુધ ઉત્પાદકોના પ્રતિનિધી તરીકે આ નિર્ણય કર્યો છે.

તા. ૧૧/૭/૨૦૧૮ થી પ્રતિ કિલો ફેટે રૂ. ૧૦/- ભાવ વધારો કરી પ્રતિ કિલો ફેટે રૂ. ૬૫૦/- ચુકવવાનો નિર્ણય રાજકોટ  દુધ સંઘ સાથે કરેલ છે. આ પહેલા તા. ૦૧/૦૭/૨૦૧૮ એ પ્રતિ કિલો ફેટે રૂ. ૨૦/- નો , એ પહેલા તા. ૨૧/૦૬/૨૦૧૮ એ પ્રતિ કિલો ફેટે રૂ. ૨૦/- નો વધારો કરી કુલ એક માસમાં  પ્રતિ કિલો ફેટે રૂો ૫૦/- નો ઐતિહાસિક  ભાવ વધારો કરી દુધ ઉત્પાદકોને આર્થિક મદદરૂપ થવાનો નિર્ણય કરેલ છે. આ ભાવ વધારાથી ગામડે બેઠા દુધ ઉત્પાદકોને પ્રતિ લિટરે રૂ. ૩.૫૦ થી ૫.૦૦ નો દૈનિક ભાવ મળતો થશે.  સંઘે દુધ ઉત્પાદકોને વ્યાજબી ભાવથી અમૂલ ભાવથી દાણનું વિતરણ શરૂ કરેલ છે. આ સમતોલ પશુઆહાર અમૂલ દાણ પશુને ખવડાવવાથી દુધ ઉત્પાદન વધે, ફેટ જળવાઇ રહે, વેતર ચક્ર નિયમિત બને તેમજ પશુ તંદુરસ્ત રહે તેવા ઉપદેશથી અમૂલ પાવરદાણ, અમૂલ બફેલો સ્પેશ્યલ દાણ તેમજ અમૂલ ન્યુટ્રી પાવરનુ વિતરણ નહી નફો નહી નુકશાનના ધોરણે શરૂ કરેલ છે. જેનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના તમામ દુધ ઉત્પાદકો અમૂલ દાણ અપનાવી તેના પશુઓને ખવડાવતા થાય તે માટે રાજકોટ દુધ સંઘના અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ અપીલ કરી છે.  (૨૮.૧)

(11:25 am IST)