રાજકોટ
News of Monday, 10th June 2019

રૈયાધારમાં લગ્ન પ્રસંગના જમણવાર વખતે ગેસ લિકેજથી આગ ભભૂકીઃ ૪ દાઝી ગયા

બચુભાઇ દેવીપૂજકને ત્યાં પુત્ર પિન્ટૂના લગ્નનો પ્રસંગ હતોઃ મુકેશ (ઉ.૧૦), સુમન (ઉ.૫), વિશાલ (ઉ.૬) અને ભરત (ઉ.૧૮) દાઝી ગયા

રાજકોટ : રામાપીર ચોકડી મચ્છુમાના કવાર્ટરની બાજુમાં લગ્ન પ્રસંગમાં ગેસનો બાટલો લીક થતા આગ લાગી હતી. આગમાં માંડવો, સાઉન્ડ સીસ્ટમ, પંખો, ખુરશી બળી ગયા હતાં. જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦: રૈયાધારમાં આજે બપોરે દેવીપૂજક પરિવારના ઘરમાં લગ્ન પ્રસંગની રસોઇ બનાવતી વખતે ગેસના બાટલાની નળી લિક થતાં આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. આગમાં ત્રણ બાળકો સહિત ચાર જણા દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ રૈયાધાર મચ્છુમાના મંદિર પાસે કવાર્ટરમાં રહેતાં બચુભાઇ દુધકીયા (દેવીપૂજક)ને ત્યાં પુત્ર પિન્ટૂનો લગ્ન પ્રસંગ હોઇ લગ્ન લખવાના હતાં ત્યારે બપોરે એકાદ વાગ્યે રસોડામાં રસોઇ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે ગેસનો બાટલો લિક થતાં  આગ ભભૂકતાં નાશભાગ મચી ગઇ હતી.

આગમાં મુકેશ બચુભાઇ દુધકીયા (ઉ.૧૦), સુમન મનુભાઇ દુધકીયા (ઉ.૫), વિશાલ મનુભાઇ (ઉ.૬) અને ભરત બચુભાઇ દુધકીયા (ઉ.૧૮) દાઝી ગયાનું જાણવા મળે છે. ગેસના બાટલાના નળી જુની હોઇ તેના કારણે લિકેજ થઇ હતી અને આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઇટર પહોંચ્યા હતાં અને ઓરડીનું પતરૂ તોડી આગ બુઝાવી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ વિવેકભાઇ તથા ભગીરથસિંહ દાઝેલાઓને સદ્દભાવના હોસ્પિટલમાં ખસેડાયાની જાણ થતાં ત્યાં પહોંચ્યા છે.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગમાં પંખો, સાઉન્ડ સિસ્ટમ, ત્રણ ખુરશી, મંડપ પણ સળગી ગયા હતાં. જેના કારણે ચાલીસેક હજારનું નુકસાન થયુ છે. આ પરિવાર અહિ ભાડેથી રહે છે. મકાન માલિકનું નામ બાબુભાઇ છે. ફાયર બ્રિગેડના રાજશેભાઇ, નાજુભાઇ, કિશોરભાઇ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.

(4:21 pm IST)