રાજકોટ
News of Monday, 10th June 2019

સબ રજીસ્ટ્રાર-સીટી સર્વે ૧-૨ની કચેરીઓ ટૂંકમાં ફરશેઃ ત્રણેય મામલતદાર કચેરીમાં સમાવી લેવાશે

મીલ્કતનું ખરીદ-વેચાણ દસ્તાવેજ થાય કે તૂર્ત જ પ્રોપર્ટી કાર્ડ મળી જાય તેવી જોગવાઈ

રાજકોટ, તા. ૧૦ :. તાજેતરમાં રાજકોટ કલેકટરે સબ રજીસ્ટ્રાર કચેરીઓના સ્થળાંતર અંગે જીલ્લા રજીસ્ટ્રાર તથા અન્ય અધિકારીઓની મીટીંગ યોજી હતી અને તેમા લેવાયેલ પ્રાથમિક નિર્ણયો મુજબ રાજકોટની ૬ સબ રજીસ્ટ્રાર કચેરીઓ અને સીટી સર્વે -૧ અને ૨ની કચેરીઓનું ટૂંક સમયમાં સ્થળાંતર થશે અને પૂર્વ-પશ્ચિમ તથા દક્ષિણ મામલતદાર કચેરીઓમાં આ ઉપરોકત તમામ કચેરીઓ પણ આવરી લેવાશે. આમ કરવા પાછળ મુખ્ય કારણ એ છે કે જેવી મીલ્કતનું ખરીદ-વેચાણ-દસ્તાવેજ થાય કે તૂર્ત જ ખાસ પ્રકારના સોફટવેરમાં એની નોંધ થઈ જાય અને પાર્ટીને તૂર્ત જ તે દિવસે પ્રોપર્ટી કાર્ડ અને તેની એકથી વધુ નકલ મળી રહે.

સ્થળાંતર પ્રક્રિયા જોઈએ તો, જૂની કલેકટર કચેરીમાં હાલ પૂર્વ મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં ગ્રાઉન્ડ ફલોર ઉપર હાલ સર્વે ભવનમાં બેસતી સીટી સર્વે સુપ્રિ.-૨, કચેરી ખસેડાશે અને સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ અને ૨ને પણ ત્યાં જ ટ્રાન્સફર અપાશે જેમાં વોર્ડ નં. ૭, ૮, ૯નો સમાવેશ થાય છે.

જ્યારે ટૂંક સમયમાં કાલાવડ રોડ ઉપર આત્મીય કોલેજ સામે જનારી નવી પશ્ચિમ મામલતદાર કચેરીમાં સીટી સુપ્રિ.-૧ અને સબ રજીસ્ટ્રાર ઝોન-૪ અને ૫ ને કાર્યરત કરાશે તેમા રૈયા-નાનામવા ક્ષેત્રો આવે છે.

જ્યારે પીડીએમ કોલેજ પાસે આવેલી દક્ષિણ મામલતદાર કચેરીના નવા બિલ્ડીંગમાં સીટી સર્વે સુપ્રિ.-૩ કાર્યરત છે. હવે ત્યાં સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૬, ૭ને કાર્યરત કરાશે. જેમાં કોઠારીયા-મવડીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જૂની કલેકટર કચેરીમાં આવેલ સબ રજીસ્ટ્રારની નવી કચેરીએ બે માળની કરવા અને પશ્ચિમ મામલતદારની નવી કચેરીને ત્રણ માળની કરવા અંગે પણ દરખાસ્તો થઈ છે.

(4:11 pm IST)