રાજકોટ
News of Monday, 10th June 2019

ફાયર N.O.C. વગર શરૂ થઈ ગયેલી મોતના માચડા સમાન સ્કૂલ-કોલેજોને નોટીસો

ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આજે વેકેશન ખુલવાના પ્રથમ દિવસે જ ચેકીંગ શરૃઃ ઈન્દ્રપ્રસ્થમાં આવેલી મોદી સ્કૂલ તથા વેલનોન કોલેજો ફાયર સેફટીનાં નિયમ વિરૂદ્ધ ચાલુ કરી દેવાયાનું ખુલ્યું: હજુ ચેકીંગ ચાલુ જ રહેશેઃ ફાયર સેફટીનો અમલ કરાવવા કમિશનર બંછાનીધિ કટીબદ્ધ

રાજકોટ, તા. ૧૦ :. સુરતના આગ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સ્કૂલ, કોલેજ અને ટયુશન કલાસીસમાં ફાયર સેફટીના સાધનો પુરતા પ્રમાણમાં રખાવવા અને ફાયર એન.ઓ.સી.વાળા સ્કૂલ, કોલેજ અને ટયુશન કલાસને ચાલુ રાખવાની મંજુરી આપવા માટે ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજકોટ ફાયર બ્રિગેડે પણ ચેકીંગ કરી ૩૦૦થી વધુ સ્કૂલ, કોલેજ, ટયુશન કલાસ વગેરે અગાઉ બંધ કરાવેલ અને આ તમામે ફાયર એન.ઓ.સી. માટે અરજીઓ કરી દીધી છે જ્યારે આ અરજીના આધારે આજે વેકેશન ખુલતાની સાથે જ સ્કૂલ, કોલેજોમાં ફાયર બ્રિગેડના સાધનોનુ ચેકીંગ કરી અને નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો નહિ રાખનાર સ્કૂલ, કોલેજ, ટયુશન કલાસને નોટીસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીની સુચનાથી આજે ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા શહેરના ટ્યુશન કલાસ અને સ્કુલમાં ફાયર સેફટી સિસ્ટમ અને તેના સાધનો છે કે કેમ તે અંગે ૩ કલાસીસ અને ૨ સ્કૂલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રામાણી કલાસીસ, ગુરુપ્રસાદ ચોક, તથા પ્રાર્થના કલાસીસ, મવડી ફાયર સ્ટેશન પાસે, અને સી.એન.જી. કલાસીસમાં ફાયર સેૅફટી સંદર્ભે આવશ્યક પગલાં લેવાયા હોવાનું જોવા મળ્યું હતું. જયારે મોદી સ્કૂલ અને વેલનોન કોલેજમાં ફાયર સેૅફટી સિસ્ટમ ઉપલબ્ધ ન્હોતી, માત્ર આગ બુઝાવવા માટેના બાટલા જ ઉપલબ્ધ હતા. આ હકીકત ધ્યાનમાં રાખી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા આ બંને સ્કૂલ્સને નોટીસ આપવામાં આવનાર છે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત્ત્। સ્કૂલ્સ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ડીપાર્ટમેન્ટ સાથે સંલગ્ન એવા આવશ્યક તમામ ધારાધોરણોનું કલાસ અને સ્કૂલ સંચાલકોએ પાલન કરવું પડશે.

નોંધનીય છે કે, બિલ્ડીંગની અગાસી ઉપર ફેબ્રીકેશનવાળા કલાસમાં ચાલતી સ્કૂલો સામે કડક પગલા લેવાની વાતો તંત્રવાહકોએ કરી હતી છતા હજુ શહેરમાં અનેક સ્કૂલોમાં ફેબ્રીકેશનવાળા કલાસીસ અને ફાયર સેફટી સાધનો નહી હોવાની રજૂઆત એન.એસ.યુ.આઈ. દ્વારા વધુ એક વખત કરાઈ છે અને માટે નિયમ મુજબ સંચાલકો સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠાવાઈ છે.

(4:04 pm IST)