રાજકોટ
News of Monday, 10th June 2019

ભાગી જવાની મોસમ...એસટી બસ સ્ટેશનમાં બાથરૂમની દિવાલ કૂદી કાચો કેદી ફરાર થયો

લૂંટના ગુનાના આરોપી વજેસિંહ ચૌહાણને ભાવનગરથી પોલીસ સ્ટાફે પડધરી કોર્ટમાં મુદ્દે હાજર કર્યો હતોઃ પરત જવા રાજકોટના બસ સ્ટેશને પહોંચ્યા ત્યારે કુદરતી હાજતના બહાને ભાગ્યોઃ એ-ડિવીઝન પોલીસની ગુનો નોંધવા કાર્યવાહી : શનિવારે કોર્ટમાંથી આરોપી ભાગી ગયાના બનાવમાં પીએઅસાઇ અને બે જમાદાર સસ્પેન્ડ થતાં પોલીસબેડામાં ચકચાર

રાજકોટ તા. ૧૦: રાજકોટમાં પોલીસ પહેરામાંથી આરોપીઓ ભાગી જવાની જાણે મોસમ ચાલુ થઇ હોય તેવું જણાય છે. શનિવારે મોચી બજાર પાસેની કોર્ટમાંથી ગોૈ માંસના ગુનાનો આરોપી મહેબૂબ કાથરોટીયા ભાગી ગયો તેનો પત્તો નથી ત્યાં આજે નવા એસટી બસ સ્ટેશનના બાથરૂમમાંથી કૂદરતી હાજતે જવાના બહાને પડધરીના લૂંટના ગુનાનો આરોપી કાચા કામનો કેદી દિવાલ ઠેંકી ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ભાવનગર જેલમાંથી વજેસિંહ રાજેસિંહ ચૌહાણ (ઉ.૩૦) નામના કાચા કામના કેદીને પડધરી જ્યુડિશિયલ કોર્ટમાં આજે મુદ્દત માટે ભાવનગરથી કેદી પાર્ટીનો સ્ટાફ લાવ્યો હતો. પડધરી કોર્ટમાં મુદ્દત પુરી થયા બાદ આ કેદીને પરત ભાવનગર લઇ જવા માટે  ભાવનગર પોલીસ હેડકવાર્ટરના કોન્સ. કાગજીભાઇ વાલજીભાઇ સાગઠીયા સહિતનો સ્ટાફ તેને લઇ રાજકોટ શાસ્ત્રી મેદાનના એસટી બસ સ્ટેશને પહોંચ્યો હતો.

અહિ કાચા કેદી વજેસિંહે કૂદરતી હાજતે જવાનું કહેતાં તેને પોલીસ સ્ટાફ બાથરૂમ સુધી લઇ ગયો હતો. આ કેદી અંદર ગયા બાદ ત્યાંથી દિવાલ ઠેકીને ભાગી ગયો હતો. લાંબા સમય સુધી તે બહાર ન આવતાં તપાસ કરતાં તે નાશી ગયાની ખબર પડતાં કોન્સ. કાગજીભાઇએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

ભાગી ગયેલા કાચા કોદીએ કાળા રંગનું નાઇટ પેન્ટ અને કાળુ ટી-શર્ટ પહેર્યા હતાં. તે વાને ઘઉવર્ણો છે. કન્ટ્રોલ રૂમ દ્વારા નાકાબંધી કરાવાઇ હતી. પરંતુ કેદી હાથમાં આવ્યો નહોતો. એ-ડિવીઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ દાખલ કરાવવા તજવીજ થઇ રહી છે.

નોંધનીય છે કે શનિવારે મોચી બજાર પાસેની કોર્ટના ચોથા માળેથી મોરબી રોડ ચામડીયા ખાટકીવાસનો ગોૈ માંસના ગુનાનો આરોપી મહેબૂબ કાથરોટીયા ભાગી જતાં એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઇ બી. બી. કોડીયાતર અને બે જમાદાર મયુરભાઇ તથા કિશોરભાઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જેના કારણે પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

(3:34 pm IST)