રાજકોટ
News of Tuesday, 10th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૬ વર્ષ એકચક્રી વહીવટ કરનાર મેહુલ રૂપાણી જૂથને કદ પ્રમાણે વેતરતા કુલપતિ ગીરીશ ભીમાણી

જીઓના કાર્યક્રમમાં રૂપાણીને વ્‍હાલા થનારા ૭ કર્મચારીઓની કામના સ્‍થળે બદલી * કેટલાક કોલેજ સંચાલકો સામે નારાજગી વ્‍યકત કરી * હજુ મોટા ફેરફારોની શકયતા

રાજકોટ, તા. ૧૦ : કહેવત છે ને કે સમય સમય બલવાન, નહિં મનુષ્‍ય.... સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૬ વર્ષથી એકચક્રી શાસન ચલાવનાર સીન્‍ડીકેટ સભ્‍ય અને ભાજપ અગ્રણી મેહુલ રૂપાણી અને તેના જૂથના વળતા પાણી થયા હોવાની સ્‍થિતિ નિર્માણ પામી છે. એક સમયે મેહુલ રૂપાણીનો પડયો બોલ ઝીલનારની સંખ્‍યા ખૂબ મોટી હતી, પરંતુ પરિવર્તન એ સમયની માંગ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં દેરાણી - જેઠાણી અને નણંદનો યુગ પુરો થયો છે. હવે કાર્યકારી કુલપતિ તરીકે ડો.ગીરીશ ભીમાણીએ ચાર્જ સંભાળ્‍યાને ૩ મહિનામાં જ આમૂલ પરિવર્તન આવ્‍યુ છે.

છેલ્લા ૬ વર્ષમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મોટાભાગના નિર્ણયોમાં મેહુલ રૂપાણીનો ‘રાજીપો'ની આવશ્‍યકતા રહેતી હતી, જયારે મેહુલ રૂપાણીનું યુનિવર્સિટીમાં આગમન થતુ ત્‍યારે મોટી સંખ્‍યામાં લોકો તેની નજર પડે તે રીતે દોડધામ કરતા હતા. હાલ તો મેહુલ રૂપાણીના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ક્ષેત્રમાં અસ્‍તિત્‍વ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.

તાજેતરમાં યુપીએસસી તાલીમ સેન્‍ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેહુલ રૂપાણીના નજીકના ૭ કર્મચારીઓ અને કેટલાક ખાનગી કોલેજના સંચાલકો દોડધામ કરતા હોય યુનિવર્સિટીનું કામ ખોરવાતુ હોવાનું ધ્‍યાનમાં આવતા કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીએ લાલ આંખ કરી છે.

મેહુલ રૂપાણીના કાર્યક્રમમાં ઉત્‍સાહના અતિરેકમાં દોડધામ કરનાર ૭ કર્મચારીઓની કામના સ્‍થળે તાકીદની અસરે બદલી કરી નાખી છે અને કેટલાક કર્મચારીઓએ ઉત્‍સાહના અતિરેકમાં મોબાઈલમાં સ્‍ટેટસ  મૂકયુ તે પણ દૂર કરાવી નાખ્‍યા હોવાની ચર્ચા ચાલે છે. મેહુલ રૂપાણીના કાર્યક્રમમાં સીન્‍ડીકેટ સભ્‍યો, ભાજપ અગ્રણી તેમજ અધ્‍યાપક અને ભવનોના અધ્‍યક્ષોએ જાણે સામુહીક રીતે બહીષ્‍કાર કર્યો હોય તેમ કોઈ હાજર રહ્યુ ન હતું. આટલી બધી ગેરહાજરી કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીનો ‘હાઉ' કે મેહુલ રૂપાણી સામે નારાજગી છે? આ મુદ્દો ખૂબ ચર્ચાસ્‍પદ બન્‍યો છે.

યુનિવર્સિટીના જાણકાર સૂત્રોના જણાવ્‍યા મુજબ ૨૩મી મે પછી મેહુલ રૂપાણી યુનિવર્સિટીના સક્રિય રાજકારણમાં રહેવાની શકયતા સાવ ઓછી છે. ત્‍યારે હજુ કેટલાક રૂપાણી જૂથના કર્મચારી અધ્‍યાપકો ધીરે ધીરે કુલપતિ ગીરીશ ભીમાણી સમક્ષ આવીને કામ માંગી રહ્યાની ચર્ચા ચાલે છે.

(3:01 pm IST)