રાજકોટ
News of Monday, 10th May 2021

લાલપરીએ રિક્ષા ધોવા ગયા બાદ છ સગીર ન્હાવા પડ્યાઃ ડૂબી જતાં ૧૭ વર્ષના આશિષનો જીવ ગયો

આશિષ ડૂબી જતાં બાકીના પાંચ ગભરાઇને ભાગ્યાઃ તેના ઘરના લોકોને પણ જાણ ન કરીઃ છેક સાંજે ખબર પડતાં મૃતદેહ મળ્યોઃ ભગવતીપરાના ઉપાસરીયા પરિવારમાં કલ્પાંત : સવારે આશિષ કોરોનાથી કેટલા મરે છે તેના સમાચાર મોબાઇલમાં પિતાને દેખાડતો'તો સાંજે તેના જ મૃત્યુના વાવડ મળ્યા : કાળ જાણે બોલાવતો હોઇ તેમ છેલ્લી ઘડીએ રિક્ષામાં બેસી ગયો'તો

રાજકોટ તા. ૧૦: ભગવતીપરાના પુરૂષોત્તમ પાર્ક-૧માં રહેતાં અને કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતાં ૧૭ વર્ષના આશિષ દેવજીભાઇ ઉપાસરીયાનું લાલપરી તળાવમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ આશિષ ગઇકાલે રવિવારે પડોશમાં રહેતાં બીજા પાંચ જેટલા સગીર મિત્રો સાથે રિક્ષા ધોવા માટે લાલપરીએ ગયો હતો. ત્યાં ગયા બાદ બધા ન્હાવા પડ્યા હતાં. જેમાં આશિષ ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. આ ઘટનાથી તેની સાથેના સગીર મિત્રો ગભરાઇ ગયા હતાં અને ભાગીને ઘરે આવી ગયા હતાં. આશિષ ડૂબી ગયાની તેના ઘરના લોકોને કોઇએ જાણ પણ કરી નહોતી.

સાંજે આશિષના પરિવારજનોએ આ છોકરાઓને થોડુ કડકાઇથી પુછતાં પછી તેણે આશિષ ડૂબી ગયાની વાત કરતાં પરિવારજનો લાલપરીએ દોડી ગયા હતાં. ફાયર બ્રિગેડની ટીમે આશિષનો મૃતદેહ શોધી કાઢતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બી-ડિવીઝનના રાજાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આશિષ બે ભાઇ અને બે બહેનમાં મોટો અને પરિવારનો આધારસ્તંભ હતો. હજુ ગઇકાલે સવારે તો તે પિતાને પોતાના ફોનમાં કોરોનાથી કેટલા મોત થાય છે તેના સમાચાર વ્હોટ્સએપમાં દેખાડતો હતો. ત્યાં સાંજે તેના જ મૃત્યુના વાવડથી પરિવારજનો હપ્રભ થઇ ગયા હતાં.

(11:59 am IST)