રાજકોટ
News of Friday, 10th May 2019

કાલાવડ રોડ ઉપરના ફાયરીંગ-હત્યાની કોશિષના ગુન્હામાં પકડાયેલ પાંચ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૧૦  :  ફાયરીંગ કરી હત્યાની કોશીષ કરવાના ગુનાના આરોપસર પકડાયેલ આરોપીઓ (૧)કેયુર કીરણભાઇ રૂપારેલીયા (ર) પ્રશાંત અશોકભાઇ જોબનપુત્રા (૩) રવિ હરેશભાઇ મહેતા, (૪)મુકતાર હબીબભાઇદાઉદાણી, (૫) સહદેવ ધીરૂભાઇ ડોડીયા સામે કેસ ચાલી  રાજકોટના એડી. સેશન્સ જજશ્રી પી.એન.દવેએ તમામ આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, તારીખ ૨૮/૭/૧૩ ના રોજ ૨૨.૨૦ વાગ્યે પોલીસ કન્ટ્રોલ રાજકોટ શહેર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પી.સી.આર. વાન ને કોલ આપવામાં આવેલ કે, પરીમલ સ્કુલ પાસે કોઇ બનાવ બનેલ છે તમો ત્યાં જાવ, જેથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રી જે.એચ. સરવૈયા બનાવવાળી જગ્યાએ આવેલા અને ત્યાં હાજર યોગરાજસિંહ ભરતસિંહ જાડેજાની પુછપરછ કરતા તેઓ દ્વારા જાણવા મળેલ કે, હેપીનેશ આઇસ્ક્રીમ વાળા કોમ્પલેક્ષવાળી શેરીમાંથી અમુક ઇસમો ઝડપથી રોડ તરફ આવેલ હતા, અને હેપીનેશ આઇસ્ક્રીમ પાસે ફાયરીંગ કરેલાનો અવાજ સાંભળેલ હતો અને રવીવાર હોવાથી માણસો ભેગા થઇ ગયેલ હતા.

બનાવવાળી જગ્યાએ તપાસ કરતા હેપીનેશ આઇસ્ક્રિમ દુકાન સામે ફુટપાથ પર રીવોલ્વર/પીસ્તોલની કાર્ટીસ નું ખોખુ પડેલ હતું, જેથી પી.આઇ. સરવૈયા સાહેબ જાતે ફરીયાદી બની અજાણ્યા માણસોની સામે કેસ આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી) હેઠળ ફરીયાદ આપેલ.

ઉપરોકત ફરીયાદની તપાસ દરમ્યાન એવી હકીકત ખુલેલ કે, આ કામના આરોપીઓ, સાહેદ વીશાલભાઇ ને તે મારી ગર્લ ફ્રેન્ડ ને એસ.એમ.એસ. કેમ કરેલ તે બાબતે પ્રથમ ફોન પર ઝઘડો કરી વિશાલ ને બનાવના સ્થળે બોલાવી ગેરકાયદેસર મંડળી રચી હથીયાર ધારણ કરી વિશાલ  સાથે ઝઘડો  કરી રીવોલ્વરમાંથી  ફાયરીંગ કરી ને ઢીકાપાટુનો માર મારેલ તેમજ રીવોલ્વર કાઢી આ કામના સાહેદ ત્રીશુલસિંહના કપાળ પર રાખી દીધેલ અને સાહેદ હદય ને કેયુરે ધોકાનો માર મારતા હવામાં ફાયરીંગ થઇ ગયેલ અને ત્યારબાદ આરોપી કેયુરે બે ફાયરીંગ ત્રીશુલસીંહ ના પગ પાસે કરી જાનથી મારી નાખવાની કોશીષ કર્યા અંગેની હકીકત ખુલતા આ કામમાં આઇ.પી.સી. કલમ૩૦૭,૧૪૭,૧૪૩, ૧૪૮,૧૪૯ વીગેરે કલમનો ઉમેરો કરેલ.

આ કામમાં ઉપરોકત પાંચ આરોપીઓ તેમજ બાળ આરોપીની ધરપકડ કરેલ અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કામમાં બચાવ પક્ષે એવી રજુઆત કરવામાં આવેલ કે, આ કામના ફરીયાદી પી.આઇ.શ્રી છે, જેઓએ ફરીયાદ વખતે કોઇના નામ આપેલ નથી અને કહેવાતા ભોગ બનનારા છે, તેઓએ કોઇ ફરીયાદ કરેલ નથી, પી.આઇ.શ્રી ની જુબાની તેમજ સાહેદોની જુબાનીમાં વિરોધાભાસ છે, પંચો સમર્થન કરતા નથી, જેથી તમામ આરોપીઓ સામેનો કેસ પુરવાર થતો ન હોય છોડી મુકવા રજુઆત કરેલ.

ઉપરોકત હકીકત તેમજ દલીલોને ધ્યાનમાં લઇ રાજકોટના એડી સેશન્શ જજશ્રી પી.એન.દવે એવા મંતવ્ય ઉપર આવેલ કે, ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નીષ્ફળ ગયેલ હોય આરોપીઓને  નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપીઓ (૧) કેયુર કીરણભાઇ રૂપારેલીયા (ર) પ્રશાંત અશોકભાઇ જોબનપુત્રા,(૩) રવી હરેશભાઇ મહેતા, (૪) મુકતાર હબીબભાઇ દાઉદાણી, (૫) સહદેવ ધીરૂભાઇ ડોડીયા વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, હર્ષીલભાઇ શાહ, વીજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ વ્યાસ રોકાયેલા હતા.

(3:54 pm IST)