રાજકોટ
News of Friday, 10th May 2019

કાલાવાડ રોડ ઉપર ૩II કરોડના ખર્ચે ૪ હજાર ચો.મી.માં નવી પશ્ચિમ મામલતદાર કચેરી તૈયારઃ રપમી પછી લોકાર્પણ

જામનગર રોડ ઉપર નવા કોર્ટ સંકુલ માટે ૧પમીએ જજોની ટીમ રાજકોટમાં

રાજકોટમાં અદ્યતન પશ્ચિમ મામલતદાર કચેરી તૈયાર કરી લેવાઇ છે, તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: રાજકોટ કલેકટર તંત્રને માટે વધુ એક નવી મામલતદાર કચેરી બીલ્ડીંગ ટુંકમાં મળી જશે. આ અંગે માર્ગ મકાન વિભાગના અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે પશ્ચિમ મામલતદાર કચેરી સંભવતઃ આવતા મહિનાથી કાલાવાડ રોડ ઉપર આત્મીય કોલેજ ખાતે બનાવાયેલા ૧ માળના અદ્યતન નવા બિલ્ડીંગમાં બેસશે.

આ પશ્ચિમ મામલતદાર કચેરીનું નવું બીલ્ડીંગ દક્ષિણ મામલતદાર કચેરી જેવું જ બનાવાયું છે. કુલ ૩ાા કરોડના ખર્ચે ૪ હજાર ચો.મી.માં આ નવી પશ્ચિમ મામલતદાર કચેરી ઉભી કરાઇ છે, રાજકોટ સીટી પ્રાંત-ર કચેરી પણ લગભગ ત્યાં ખસેડાય તેવી શકયતા છે.

આ નવી કચેરીમાં નાગરીક સુવિધા કેન્દ્ર, અધીકારીઓની ચેમ્બર, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઇ છે.

આ કચેરીનું લગભગ રપ મે બાદ લોકર્પણ થશે તેમ અધીકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

દરમિયાન જામનગર રોડ ઉપર બનનાર નવી અદ્યતન જીલ્લા કોર્ટ અંગે આગામી ૧પમીએ જજોની સ્પેશ્યલ ટીમ રાજકોટ આવી રહી છે, સ્થળ નિરિક્ષણ બાદ આ અંગે કાર્યવાહી થશે.

(2:49 pm IST)