રાજકોટ
News of Friday, 10th May 2019

સૂરદાસ પિતા અને મંદબુધ્ધીના માતાની ૧૪ વર્ષની દિકરીનું અપહરણઃ પિન્ટૂ ઉપર શંકા

મંછાનગરની બાળા ગઇકાલ બપોરથી ગાયબઃ મોરબી રોડ પર રહેતાં બાળાના મોટાબાપુની બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં બાવાજી પરિવારની ૧૪ વર્ષ પ માસની વય ધરાવતી બાળા ગૂમ થતાં બી-ડિવીઝન પોલીસે ચુનારાવાડના શખ્સને શકદાર ગણી અપહરણનો ગુનો નોંધ્યો છે. આ બાળાના પિતા સૂરદાસ છે અને માતા મંદબુધ્ધીના છે.

પોલીસે આ બનાવ અંગે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટી પાસે ૨૫ વારીયામાં શેરી નં. ૩ પ્લોટ નં. ૨૧૪માં રહેતાં અને ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં ભાણદાસ મોતીરામ કાપડી (બાવાજી) (ઉ.૫૪)ની ફરિયાદ પરથી ચુનારાવાડના પિન્ટૂ નામના શખ્સને શકદાર ગણી આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

ભાણદાસ કાપડીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારો નાનો ભાઇ પ્રભુદાસભાઇ કાપડી માર્કેટ યાર્ડ પાછળ મંછાનગર-૭માં રહે છે. તે દસ વર્ષથી સૂરદાસ છે અને તેમના પત્નિ જાગૃતિબેન મંદબુધ્ધીના છે. તેમને બે દિકરી અને એક દિકરો છે. સોૈથી નાની દિકરી ૧૪ માસ અને પ મહિનાની વય ધરાવે છે. ગુરૂવારે બપોરે મને નાનાભાઇ પ્રભુદાસભાઇએ ફોન કરી પોતાની ઘરે બોલાવતાં હું ત્યાં જતાં મને વાત કરી હતી કે નાની દિકરી બપોરના ઘરેથી નીકળી ગઇ છે. અઠવાડીયા પહેલા તે ઘરના મોબાઇલ ફોન પરથી કોઇ છોકરા સાથે વાત કરતી હોવાની શંકા જતાં જમાઇને બોલાવી વાત કરી હતી. ફોન ચેક કરતાં તેણીએ ચુનારાવાડના પિન્ટૂ સાથે વાત કરી હોવાની અને તેની સાથે પ્રેમસંબંધ હોવાની ખબર પડી હતી. બીજો નંબર પિન્ટૂના મિત્રનો હતો.

પિન્ટૂ જ તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની શંકા ઉપજતાં અમે પોલીસ મથકે પહોંચ્યા હતાં. તેમ વધુમાં ભાણદાસ કાપડીએ જણાવતાં પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, ચંદ્રસિંહ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:46 pm IST)