રાજકોટ
News of Friday, 10th May 2019

મવડી રોડ પર જવેલર્સોમાં BISનું ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પ્રત્યાઘાત

હોલમાર્કનું લાયસન્સ નહિ ધરાવતા જવેલર્સ સામે કાર્યવાહી : માલ જપ્ત કરવા સામે સુવર્ણકારોમાં ભારે આક્રોશ

મવડી રોડ પરના ચારેક જેટલા જવલર્સમાં બીએસઆઇના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાતા સુવર્ણકારોમાં ઘેરા પડઘા પડ્યા હતા તસ્વીરમાં જવેલર્સ અને સુવર્ણકારો નજરે પડે છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : શહેરના મવડી રોડ વિસ્તારમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા હોલમાર્ક જવેલરી અંગે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેના સુવર્ણકારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા મવડી રોડ પર આવેલા જવેલર્સમાં બીઆઇએસના અધિકારીઓ ચેકીંગ કાર્યવાહી માટે પહોંચ્યાની જાણ થતા સુવર્ણકાર આગેવાનો દોડી ગયા હતા અને હોલમાર્કના કાયદા અને વિસંગતતા અંગે રજૂઆત કરી હતી.

  મવડી રોડ પર આવેલા અંબિકા જવેલર્સ, ગિરિરાજ જવેલર્સ, શ્રી હરિ જવેલર્સ અને પાલા જવેલર્સમાં બીએસઆઈ અધિકારીઓ દ્વારા ચેકીંગ કરાયું હતું. જેમાં હોલમાર્કનું લાયસન્સ નહિ હોવા છતાં હોલમાર્ક આભૂષણો વેંચતા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી અને હોલમાર્ક દાગીના સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સુવર્ણકારોમાં બીએસઆઈની કાર્યવાહીના ઘેરા પ્રત્યઘાત પડ્યા હતા. હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરૂદ્ઘ કાર્યવાહી થયાના આરોપ મુકયા હતા. એક તબક્કે સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન થયું હતું.

મવડી રોડની આ કાર્યવાહીની જાણ થતા સોની સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે રજૂઆત કરી હતી.

સુવર્ણકારોના કહેવા મુજબ શહેરના સંખ્યાબંધ જવેલર્સ છે ત્યારે ઓછું ટર્નઓવર ધરાવતા અને જીએસટી નંબર નહીં હોવાથી હોલમાર્ક લાયસન્સ નીકળતું નથી. આ સંજોગોમાં હોલમાર્ક સેન્ટરમાં જ હોલમાર્ક લાયસન્સ ધારકને હોલમાર્ક કાઢી અપાય તેની ચોકસાઈ કરવાની જરૂર છે.

બીજી તરફ હોલમાર્ક લાયસન્સ નહીં હોવા છતાં હોલમાર્ક આભૂષણો વેચાણકર્તા સામે કાર્યવાહીથી નાના જવેલર્સ માટે મોટો ફટકો સમાન બની રહેશે. આ અંગેના ધારાધોરણની અમલવારી માટે સરળીકરણ થવું જોઈએ તેવી સુવર્ણકારોમાં માંગ ઉઠી હતી.(૨૧.૨૫)

 

(3:33 pm IST)