રાજકોટ
News of Friday, 10th May 2019

અગાઉ પકડાયેલા શખ્સોનો વધુ એક ગુનો ખુલ્યોઃ પંચાયત ચોકમાં ૪૫ હજારની માળાની ઝોંટ મારી'તી

મારવાડી કોલેજના છાત્રને 'તારું એકટીવા અડી ગયું છે' કહી ચિલઝડપ કરી'તી

રાજકોટ તા. ૧૦: પોલીસે અગાઉ પકડેલા ચિલઝડપકારનો વધુ એક ગુનો સામે આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર મારવાડી કોલેજના છાત્ર પટેલ યુવાનને 'તારું એકટીવા અમારા બાઇકને અડી ગયું છે' કહી બાઇક પર આવેલા બે શખ્સે અટકાવી ગળામાંથી ૪૫ હજારની સોનાની રૂદ્રાક્ષવાળી માળાની ઝોંટ મારી લેતાં અને ભાગી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છાત્રોને ડરાવી ધમકાવી પૈસા-દાગીના પડાવતી ટોળકી પૈકીના બે શખ્સોની આ ગુનામાં સંડોવણી હોઇ પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક જલારામ-૪ દ્વારકાધીશ કોમ્પલેક્ષ બીજા માળે બી-૧માં રહેતાં અને મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે અભ્યાસ કરતાં હિત હરસુખભાઇ રતનપરા (પટેલ) (ઉ.૧૯)ની ફરિયાદ પરથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૫૬,૩૭૯, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

હિતના કહેવા મુજબ હું તા. ૬-૪ના સાંજે સવા સાતેક વાગ્યે મારા મિત્ર કુશ પટેલ સાથે રેસકોર્ષ વોકિંગ કરવા ગયો હતો. ત્યાંથી એકટીવા પર હું એકલો પરત ઘરે આવતો હતો ત્યારે યુનિવર્સિટી રોડ ચંદારાણા ટાવર્સ પાસે પહોંચતા મારી બાજુમાં એક બાઇક આવ્યું હતું. જેમાં બે શખ્સ હતાં. તેમજ નંબર પ્લેટ નહોતી. ચાલકે પીળા કલરનો શર્ટ અને જીન્સ પહેર્યા હતાં. જ્યારે પાછળ બેઠેલા શખ્સે આખી બાંહનું ટી-શર્ટ અને જન્સ પહેર્યા હતાં. તેણે નજીક આવ્યા બાદ કહ્યું હતું કે 'તારું એકટીવા અમારી સાથે અડી ગયું છે'...હું તેને કંઇ કહું એ પહેલા જ ચાલકે મારા ગળા પર ઝોંટ મારી રૂદ્રાક્ષની માળા દોઢ તોલાની રૂ. ૪૫ હજારની ઝોંટ મારી ખેંચી લીધી હતી અને બંને ભાગી ગયા હતાં.

મેં ઘરે પહોંચી મારા પિતાને વાત કરી હતી. હું પરિક્ષા આપવા માટે પિતા સાથે રાજુલા ગયો હોઇ જેથી જે તે વખતે ફરિયાદ નોંધાવી નહોતી. હવે ફરિયાદ નોંધાવી છે.  યુનિવર્સિટીના પીએસઆઇ જે .એન. ચાવડાએ હિતની ફરિયાદ નોંધી છે. આગળની તપાસ પંચાયત ચોકીના હેડકોન્સ. એસ.એસ. ગોસાઇએ હાથ ધરી છે.

(12:00 pm IST)