રાજકોટ
News of Saturday, 10th April 2021

સિવિલ હોસ્પિટલના કોરોના કન્ટ્રોલ રૂમમાં નકલી આઇપીએસ અધિકારી બની રોફ જમાવતાં સંકેતને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

બનેવીના કાકા કોવિડમાં દાખલ હોઇ વધુ સારી સુવિધા મળે, ડોકટર અંગત રસ લે, લાઇનમાં ઉભવું ન પડે એ માટે નકલી કાર્ડ બનાવ્યું: હોસ્પિટલમાં ઠેકઠેકાણે બતાવતો હતો : શ્રોફ રોડ પર રહેતાં ૨૪ વર્ષના વણિક યુવાને ૨૦૧૯માં જીપીએસી એકઝામ આપી હતી પણ સફળતા મળી નહોતીઃ હાલ જામનગર નેશ્લે કંપનીમાં ન્યુટ્રીશીયનો ઓફિસર તરીકે નોકરી કરે છેઃ નકલી આઇકાર્ડ કબ્જેઃ કાર્ડમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ-ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનો હોદ્દો : ચોૈધરી હાઇસ્કૂલ ખાતેના કોવિડ કન્ટ્રોલ રૂમમાં છેલ્લા ચારેક દિવસથી આવીને આઇપીએસ અધિકારી તરીકે ઓળખ આપી આઇ કાર્ડ બતાવતો હતોઃ પીએસઆઇ વી. જે. જાડેજાને માહિતી મળતાં એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ઝડપી લેવાયોઃ ગુનો નોંધી કાર્યવાહી

આઇપીએસ બનવાના અભરખાને લીધે ડીસીબી પોલીસ સ્ટેશનનો 'મહેમાન' બનેલો યુવાન સંકેત રાજકુમારભાઇ મહેતા (ઉ.વ.૨૪) તથા તેણે બનાવેલુ આઇપીએસ અધિકારીનું નકલી આઇ કાર્ડ જોઇ શકાય છે. ઇન્ડિયન પોલીસ સર્વિસ એન્ડ ટ્રેનિંગ, મિનીસ્ટ્રી ઓફ પર્સનલ પી જી એન્ડ પેન્શન્સ એવા હોદ્દા લખેલા છે. આ કાર્ડ ૦૧-૦૯-૨૦૨૦ના રોજ ઇશ્યુ થયાની અને ઓગષ્ટ ૨૦૨૨ સુધી વેલિડ હોવાનું પણ કાર્ડમાં લખેલું છે

રાજકોટ તા. ૧૦: સિવિલ હોસ્પિટલના ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં આવેલા કોરોના કન્ટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી આવી એક યુવાન પોતે મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ અધિકારી છે તેવી ઓળખ આપી આઇકાર્ડ બતાવી સ્ટાફ પર રોફ ઉભો કરતો હતો. પોતાના બનેવીના કાકાને કોરોના થયો હોઇ અને તે કોવિડ સેન્ટરમાં દાખલ હોઇ તેના પર બરાબર ધ્યાન આપવા તે તબિબ સહિતના સ્ટાફને ભલામણ કરતો હતો અને તબિબ સાથે ફોન પર વાત કરી સગાની તબિયત અંગે પૃછા પણ કરતો હતો. ચારેક દિવસથી આવું થતું હોઇ આ અંગે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજાને બાતમી મળતાં ખરાઇ કરી તેને ઝડપી લેતાં તે આઇપીએસ અધિકારી નહિ પરંતુ નેશ્લે કંપનીનો ન્યુટ્રીશિયન ઓફિસર હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ દાખલ હોઇ તેના સગા પોતાના દર્દી વિશે માહિતી મેળવી શકે તે હેતુથી ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરોના કન્ટ્રોલ રૂમ એક વર્ષથી કાર્યરત કરવામાં આવ્યો છે. હાલમાં કોરોના મહામારીએ ફરી માથુ ઉંચકયું હોઇ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનો મોટી સંખ્યામાં આવતા હોઇ કોઇ લેભાગુઓ ગેરલાભ ન ઉઠાવે તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલ તથા આસપાસ ખાસ વોચ રાખવા સુચના આપી હતી. એ દરમિયાન પીએસઆઇ વી. જે. જાડેજાને બાતમી મળી હતી કે કોરના કન્ટ્રોલ રૂમ ખાતે એક ૨૩-૨૪ વર્ષનો યુવાન આવે છે અને પોતે આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપે છે તેમજ આઇકાર્ડ પણ બતાવે છે.

આ યુવાન આ રીતે છેલ્લા ચારેક દિવસથી આવતો હોવાની અને આજે પણ આવ્યાની માહિતી મળતાં પીએસઆઇ જાડેજા અને ટીમ ત્યાં પહોંચી હતી. ત્યાં જઇ જોતાં એક યુવાને પોતે આઇપીએસ અધિકારી હોવાનું કહી આઇકાર્ડ પણ બતાવ્યું હતું. પરંતુ તેની પ્રાથમિક પુછતાછ થતાં તેણે જે રીતે વાતચીત કરી તે શંકાસ્પદ લાગતાં તેને ખરાઇ કરવા માટે ડીસીબી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.

અહિ પોલીસે વિશીષ્ટ રીતે પુછતાછ શરૂ કરતાં જ તેણે પોતાનું નામ સંકેત રાજકુમારભાઇ મહેતા (ઉ.વ.૨૪) હોવાનું અને પોતે શ્રોફ રોડ કિતાબ ઘર પાસે મંગલમ્ એપાર્ટમેન્ટ-૨૦૨માં રહેતો હોવાનું તેમજ આઇપીએસ અધિકારી નહિ હોવાનું અને થોડા દિવસ પહેલા જાતે જ આ નકલી કાર્ડ ઉભુ કર્યાનું કબુલતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી નકલી આઇકાર્ડ, એક મોબાઇલ ફોન કબ્જે કરાયો હતો.

પોલીસે વિશેષ પુછતાછ કરતાં એવી વિગત ખુલી હતી કે સંકેતે બીએસસી બાયો ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે અને હાલ જામનગર નેશ્લે ઇન્ડિયા કંપનીમાં ન્યુટ્રીશિયન ઓફિસર તરીકે તે પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે આવુ નકલી કાર્ડ શા માટે બનાવ્યું? તેની પુછતાછમાં કહ્યું હતું કે તેના બનેવીના કાકા સંજયભાઇને કોરોના થતાં સિવિલ હોસ્પિટલમાં કેટલાક દિવસથી સારવાર હેઠળ છે. અહિ હાલમાં દર્દીઓનો ખુબ ધસારો હોઇ લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાથી લેપટોપમાં ગૂગલ સર્ચ કરી ઓનલાઇન સિમ્બલો મેળવી આઇપીએસ અધિકારીનું બોગસ કાર્ડ બનાવી પ્રિન્ટ કઢાવી સાથે રાખી હોસ્પિટલના કોરોના કન્ટ્રોલ રૂમ તેમજ મેડિકલ સ્ટાફને બતાવી આઇપીએસ અધિકારી હોવાનું કહેતો હોવાનું કબુલ્યું હતું.

સંકેતે એવું પણ કબુલ્યું હતું કે ૨૦૧૯માં તેણે જીપીએસસીની પરિક્ષા પણ આપી હતી. પરંતુ તેમાં પાસ થઇ શકયો નહોતો.  પોતાના સગાને વધુ સારી સારવાર મળે અને તબિબો સહિતનો સ્ટાફ બરાબર ધ્યાન આપે તે માટે તેણે નકલી આઇપીએસ અધિકારીનો સ્વાંગ રચ્યાનું ખુલ્યું હતું. જો કે ક્રાઇમ બ્રાંચની નજરે ચડી જતાં પોલીસ મથકના મહેમાન બનવાની વેળા આવી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાના માર્ગદર્શન અને સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

આઇપીએસના નામે સંકેતે બીજા કોઇને ઓળખ આપી હોય તો પોલીસનો સંપર્ક કરવો

. સંકેતે અન્ય કોઇપણ લોકો સામે પોતે આઇપીએસ અધિકારી છે તેમ કહી આઇકાર્ડ બતાવી પોતાનું કામ કઢાવી લીધું હોય તો તેવા લોકોએ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

કન્ટ્રોલ રૂમમાં આવે ત્યારે સાચા આઇપીએસ સમજી બેસવા ખુરશી અપાતીઃ ઘરેથી પણ ડોકટરને ભલામણનો ફોન કરતો'તો

. સંકેતે પોતે આઇપીએસ હોવાનું કહી આઇકાર્ડ પણ બતાવ્યું હોઇ જેથી કોરોના કન્ટ્રોલ રૂમમાં જે કોઇપણ સ્ટાફ ફરજ પર હોઇ હોદ્દાને માન આપી સંકેત આવે ત્યારે તેને ખુરશી પણ બેસવા આપતો હતો. સંકેત પણ પોતાનું પાનુ ચાલી ગયું...તેમ સમજી પછી તો ડોકટર સહિતને ઘરે બેઠા ફોન કરીને પણ પોતાના સગાના ખબર પુછતો હતો અને તેનું બરાબર ધ્યાન રાખવા, સારામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા ભલામણો પણ કરતો હતો.

(3:13 pm IST)