રાજકોટ
News of Saturday, 10th April 2021

ગાયોનો ચારો લેવા નીકળેલા રૈયાધારના જસુબેનની માધાપર ચોકડી ઓવરબ્રીજ નીચેથી લાશ મળીઃ લૂ લાગ્યાની શંકા

બપોર બાદ ઘરેથી નીકળ્યા હતાં: મોડે સુધી પાછા ન આવતાં શોધખોળ શરૂ થઇઃ બેભાન મળતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારમાં શોકઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું

રાજકોટ તા. ૧૦: રૈયાધારમાં રહેતાં ભરવાડ પરિવારના મહિલા ગઇકાલે બપોર બાદ ઘરેથી ગાયો માટે ચારો લેવા નીકળ્યા બાદ રાતે તેમની માધાપર ચોકડી ઓવરબ્રીજ નીચેથી લાશ મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તડકામાં લૂ લાગી જતાં  ચક્કર આવ્યા બાદ બેભાન થઇ જતાં મોત નિપજ્યું કે અન્ય કારણોસર? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ રૈયાધાર રંભામાની વાડી પાસે રહેતાં જસુબેન ભીમાભાઇ ઓળકીયા (ભરવાડ) (ઉ.વ.૫૪) ગઇકાલે બપોર બાદ ઘરેથી ગાયો માટે ચારો લેવા જવા માટે નીકળ્યા હતાં. એ પછી મોડે સુધી પાછા ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન માધાપર ચોકડી ઓવરબ્રીજ નીચે એક મહિલા બેભાન મળતાંં લોકો એકઠા થઇ ગયા હતાં. એ વખતે જસુબેનના પરિવારના એક ઓળખીતા વ્યકિત પણ ત્યાં જોવા જતાં તે જસુબેનને ઓળખી જતાં તેમના પરિવારજનોને જાણ કરી હતી અને જસુબેનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ પી. એન. પરમાર અને ગોપાલભાઇ સહિતે હોસ્પિટલે અને ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જસુબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. જસુબેનને તડકો લાગી જતાં બેભાન થઇ ગયા બાદ મોત નિપજ્યાની શકયતા છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

(12:49 pm IST)