રાજકોટ
News of Friday, 10th April 2020

મોટી રાતે નમાઝ પઢતી વખતે બેભાન થઇ ગયા બાદ આશીયાનાબેન બુખારીનું મોત

મોરબી સાસરૂ ધરાવતી યુવતિ કાલાવડ રોડ આવાસ કવાર્ટરમાં કેટલાક દિવસથી માવતરના ઘરે આવી હતી

રાજકોટ તા. ૧૦: મોરબી સાસરૂ ધરાવતી મુસ્લિમ પરિણીતા લોકડાઉન થયું ત્યારથી રાજકોટ માવતરે આવી હોઇ અહિ ગઇકાલે મોટી રાત નિમિતે ઘરમાં નમાઝ પઢતી હતી ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ તેને તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી રહેતી આશિયાનાબેન જીશાન બુખારી (ઉ.વ.૨૩) નામની પરિણીતા લોકડાઉન થયું એ પહેલા રાજકોટ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં પિતા ખાલીદભાઇ કાદરીને ત્યાં રોકાવા માટે આવી હતી. તેણીના લગ્ન પાંચેક વર્ષ  પહેલા થયા હતાં. પતિ ઓટો રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણીને ટીબીની તકલીફ પણ હતી. ગઇકાલે મુસ્લિમ સમાજની મોટી રાત હોઇ આશિયાનાબેન પિતાના ઘરે નમાઝ પઢતી પઢતી અચાનક બેભાન થઇ જતાં તાકીદે હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ તૃષાબેન બુહાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)