રાજકોટ
News of Wednesday, 10th February 2021

ઈ-મેમો કયા કાયદા હેઠળ અપાઈ છેઃ પોલીસ તંત્ર પાસે RTI હેઠળ માહિતી મંગાઈ

ઈ-મેમા દ્વારા પોલીસને દંડ કરવાનો અધિકાર જ નથીઃ અન્યાયી કાર્યવાહી સામે વકીલો મેદાને... : જુદા જુદા ૧૭ કાનૂની મુદ્દાઓ ઉપર માહિતી માંગતુ યુવા લોયર્સ એસો.: ટ્રાફિક નિયમોનો ભંગ કેવી રીતે થાય છે ? પોલીસ તંત્ર જવાબ આપેઃ કેમેરા દ્વારા દંડ વસુલ કરવાની કોઈ યોજના ન હોવા છતા દંડ ફટકારાઈ છેઃ કાયદા વિરૂદ્ધ દંડ ભરવા દબાણ થઈ શકે નહિઃ કોર્ટ કાર્યવાહી કરવા સરકાર-પોલીસ તંત્ર પાસે માહિતી માંગતા વકીલો

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટમાં ઘણા વર્ષોથી કાર્યરત યુવા લોયર્સ એસોસીએશન સીનીયર જૂનીયર વકીલોમાં ખૂબ જ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે અને સાથોસાથ સમાજ ઉપયોગી પ્રવૃતિ કરી સામાજિક જવાબદારી પણ નિભાવી રહેલ છે. સામાજિક પ્રશ્નોમાં પણ ઉઠાવી રહેલ છે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં રાજમાર્ગો પર સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો-પ્રજાજનો વિરૂદ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સીસીટીવી કેમેરાઓ નાખવાનો ઉદ્દેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટા દંડ ફટકારીને સરકારશ્રીને સારૂ લગાડવા માટે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

સીસીટીવીના ઉપયોગની માર્ગદર્શિકા મુજબ માત્ર ટ્રાફીક નિયમોના ભંગ બદલ દંડ વસુલ કરવાની કોઈ યોજના ન હોવા છતા પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ શહેરની પ્રજાજનોને ઈ-મેમો આપવામાં આવે છે અને લોકોને જેની આવકના સાધનો ન હોવા છતા મોટી રકમના દંડ ભરવા કાયદાથી વિરૂદ્ધ દબાણ કરવામાં આવે છે જે હકીકત ધ્યાન ઉપર આવતા લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એસો.ના એડવોકેટોની ટીમ દ્વારા ઘણા સમયથી ઈ-મેમો સંદર્ભે લડત ચાલુ કરેલ છે. આ લડત લોકોના હીતમાં અને કોરોનાની મહામારી અને લોકોને લોકડાઉનના કારણે ખૂબ જ મુશ્કેલીઓ હોવા તંત્ર દ્વારા નિર્દય અને ખોટી રીતે અપાયેલ મેમાના કારણે મોટા પ્રમાણમાં સમાધાન શુલ્કના નામે દંડ વસુલાતો હોય તે માટે આગળ કોર્ટ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટના યુવા એડવોકેટો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા રાજકોટ મ્યુનિ. કમિશ્નર પાસેથી વિગતો માંગવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

જાહેર માર્ગો ઉપર આઈ-વે પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ કેમેરા દ્વારા વાહનચાલકો વિરૂદ્ધ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) જનરેટ થઈ શકે ? તેવી જોગવાઈ કયા કાયદા હેઠળ કરવામાં આવેલ છે ? તેમજ કયા કાયદા હેઠળ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) જનરેટ કરવાની સત્તા પોલીસ તંત્રને આપવામાં આવેલ છે ? કયારથી ? તેમજ રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમા કુલ કેટલા ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) ઈસ્યુ કરવામાં આવ્યા છે તેની માહિતી આપવી.

ઈસ્યુ કરેલ કેટલા ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રદ કરવામાં આવ્યા હોય તો કયા-કયા કારણોસર મેમો રદ કરવામાં આવ્યા. તેમજ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) કોના દ્વારા એટલે કે કયા અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે અને રદ કરવામાં આવે છે ? તેની વિગત તેમજ ટ્રાફીક પોલીસ દ્વારા મોબાઈલમાં ફોટો પાડી ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) જનરેટ કરવામાં આવે છે તે મોબાઈલ એપ્લીકેશન સરકારી છે કે ખાનગી ? તે એપ્લીકેશન ઓનરને કોઈ રકમ ચુકવવામાં આવે છે કે કેમ ? તેમજ કયા કાયદા/પરીપત્ર નીચે મોબાઈલમાં ફોટા પાડી અને ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) જનરેટ કરવામાં આવી રહેલ છે અને મોબાઈલ વાહનચાલકના ફોટા પાડવાની સત્તા કોણે આપેલ છે અને કોને આપેલ છે? કયારથી આપેલ છે ? અને આજ દિવસ સુધીમાં કુલ કેટલુ સમાધાન શુલ્ક લોકો દ્વારા ચુકવવામાં આવેલ છે ? તેની વિગતો આપવી.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) ઈસ્યુ કયા અધિકારી-કર્મચારી કરે છે ? તેમજ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ)માં દર્શાવેલ ટ્રાફીક નિયમનો ભંગ કરેલ છે કે કેમ ? તે બાબત કંટ્રોલ રૂમમાં કયા હોદાના કર્મચારી દ્વારા જોઈને નક્કી કરવામાં આવે છે ?

ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રાજકોટમાં પ્રથમવાર કઈ તારીખથી ઈસ્યુ કરવામાં આવી રહેલ છે ? અને આજદીન તા. ૮-૨-૨૧ સુધી કુલ કેટલી રકમના ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) ઈસ્યુ કરવામાં આવ્યા છે. તેમજ આજદીન તા. ૮-૨-૨૧ સુધી કુલ કેટલી રકમના ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ)ની રકમ લોકો દ્વારા ભરવામાં આવી છે તેની વિગતો તેમજ આઈ-વે પ્રોજેકટ શરૂ કરવાના મૂળભૂત હેતુઓ-ઉદ્દેશો શું હતા ? તથા તા. ૮-૨-૨૧ સુધી કુલ કેટલા સરકારી વાહનો (પોલીસ તંત્ર, કલેકટર તંત્ર, પીડબલ્યુડી, મ્યુ. કોર્પોરેશન વિગેરે)ને ઈ-મેમો (ટ્રાફીક વાયોલેેશન નોટીસ) ઈસ્યુ કરવામાં આવી છે અને તા. ૮-૨-૨૧ સુધી કુલ કેટલા પોલીસ તંત્રમાં કામ કરતા વ્યકિતઓને ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) ઈસ્યુ કરવામાં આવી છે તેની માહિતી પુરી પાડવા યુવા લોયર્સ એસો.એ માંગણી કરી છે.

ઉપરોકત માહિતી કોર્ટ કાર્યવાહીમાં રજુ કરવા માટે માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલ અને યુવા લોયર્સ એસો. ઈ-મેમાના પ્રશ્ને મક્કમતાથી પ્રજાપતી કાનૂની લડત આપવા માટે આગળ વધી રહેલ છે.

આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જૂનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ રહેશે. યુવા લોયર્સ એસોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્વીનર હેમાંશુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજા, અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નિશાંત જોશી, રીતેશ ટોપીયા, દર્શન ભાલોડી, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષીલ શાહ, કેતન સાવલીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, મિલન જોષી, દીપ વ્યાસ, જીતેન્દ્ર ધુળકોટીયા, કુલદીપ ચૌહાણ, નયન મણીયાર, વિજય પટગીર, કિશન વાલ્વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા, જયપાલ સોલંકી ઉપરાંત અગ્રણી યુવા વકીલો નિમેષ કોટેચા, પ્રશાંત લાઠીગ્રા, જયકિશન છાંટબાર, તુષાર સોંડાગર, આનંદ રાધનપુરા, મોહીત ઠાકર, જીગર નશીત, વિક્રાંત વ્યાસ, ચંદ્રેશ સાકરીયા, અજીત પરમાર, પ્રફુલ રાજાણી, રાહુલ મકવાણા, ધર્મેશ સખીયા, કલ્પેશ મોરબીયા, પારસ શેઠ, નીરજ કોટડીયા, રાજેન્દ્ર જોષી, ચીરાગ કુકરેચા, જય મગદાણી, ભાવીન બારૈયા, જય બુદ્ધદેવ, નિકુંજ મહેતા, ઘનશ્યામભાઈ વાંક, ધવલભાઈ પુરોહીત વિગેરે એડવોકેટની વિશાળ ટીમ સક્રીય બનેલ છે.

(3:16 pm IST)