રાજકોટ
News of Wednesday, 10th February 2021

પોલીસની ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ સંદર્ભે હાઇકોર્ટ દ્વારા ફરિયાદ ઉપર ''સ્ટે''

રાજકોટ તા. ૧૦: એ.એસ.આઇ. તથા પોલીસ સ્ટાફ રાજય સેવકની ફરજમાં રૂકાવટ કરી આઇ.પી.સી. કલમ-૧૮૬ મુજબના ગુનામાં અરજદાર/આરોપી સામે થયેલ એફ.આઇ.આર. પર ગુજરાત હાઇકોર્ટ સ્ટે. ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, પુષ્પાબેન નાનજીભાઇ પરમાર એ.એસ.આઇ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો રૈયા રોડ આમ્રપાલી ચોકીની બાજુમાં આવેલ સીટી સેન્ટર સામે વાહન ચેકીંગમાં હતા અને વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન એક ગ્રે કલરનું એકટીવા મોટર સાયકલ લઇ એક મહિલા સુભાષનગર તરફથી આવતા તેને રોકતા તેણે પોતાનું એકટીવા સ્કુટર ઉભું રાખેલ નહીં જેથી ફરીયાદીની રાજય સેવકની કાયદેસરની વાહન ચેકીંગની ફરજ દરમિયાન રાજય સેવકની ફરજમાં રૂકાવટ કરી આઇ.પી.સી. કલમ-૧૮૬ મુજબનો ગુનો કરેલ હોય જેની ફરીયાદ હકીકત લખાવેલ હતી.

આ કામના અરજદાર/આરોપી ગીરાબેન લલિતભાઇ રાજાણીએ એડવોકેટ રાકેશભાઇ દોશી તથા પ્રતિકભાઇ જસાણી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરતી અરજી દાખલ કરેલ જેમાં પ્રતિકભાઇ જસાણી દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવેલછ કે, ફરીયાદી દ્વારા ઇ.પી. કલમ-૧૮૬ દ્વારા ફરીયાદ મેન્ટેનેબલ નથી સી.આર.પી.સી. કલમ-૧૯પ નો બાધ નડે છે. પોલીસ દ્વારા પ્રાઇવેટ ફરીયાદ થઇ શકતી નથી તેઓને કોર્ટમાં મેજીસ્ટ્રેટ સમક્ષ ફરીયાદ કરવાની હોય છે. જેથી પરસોતમભાઇ ઓધવજીભાઇ સોલંકી વિ. સ્ટેટ ઓફ ગુજરાતના ચુકાદા મુજબ ટકવાપાત્ર નથી. તેમજ સરકારી વકીલ શ્રી દ્વારા વાંધો લેવામાં આવેલ હતો.

બંને એડવોકેટશ્રીઓની દલીલો સાંભળી જસ્ટીસ શ્રી બી. એન. કારીયા દ્વારા પ્રતિકભાઇ જસાણીની દલીલ માન્ય રાખી આ કામના અરજદાર ગીરાબેન લલિતભાઇ રાજાણી પર થયેલ એફ.આઇ.આર. પર સ્ટે કરતો હુકમ કરવામાં આવેલ.

આ કામના અરજદાર ગીરાબેન લલિતભાઇ રાજાણી વતી રાજકોટના એડવોકેટ રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(3:13 pm IST)