રાજકોટ
News of Wednesday, 10th February 2021

યાજ્ઞિક રોડના બ્લેક બેરીઝ શો રૂમના સ્ટોર મેનેજર મોહસિને કોરોના કાળમાં ૨૩ લાખની ઉચાપત કરી

મુંબઇ સ્થિત કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિલાસ મિશ્રાની ફરિયાદ પરથી ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટીના શખ્સની સામે એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી આરોપીને સકંજામાં લીધોઃ અગાઉ ઓડિટ થયું ત્યારે પણ તેનું ભોપાળુ છતું થતાં તેણે રકમ ભરપાઇની બાહેંધરી આપી'તીઃ એ પછી ફરીથી ગોલમાલ કરતાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા બ્લેક બેરીઝના શો રૂમમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતાં ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટીના મોહસીન મુસાભાઇ નોતિયારે શો રૂમમાંથી બારોબાર બ્લેક બેરીઝના કપડા, બેલ્ટ સહિતની રૂ. ૨૩,૦૯,૫૮૫ની ચીજવસ્તુઓ સગેવગે કરી નાંખી કંપની સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ થતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. અગાઉ પણ ઓડિટ વખતે તેની છેતરપીંડી સામે આવતાં તેણે કબુલી લઇ રકમ ભરપાઇ કરવાની ખાત્રી આપી હતી. એ પછી કોરોના કાળમાં ઓડિટ બંધ રહેતાં ફરીથી તેણે બારોબાર માલ વેંચી નાંખી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે આ બનાવમાં મુંબઇ કલ્યાણ (પશ્ચિમ, પાર્વતી ધામ રૂમ નં. ૧, સાઇ ચોક ખડકપાડા મનસે ઓફિસની બાજુમાં) રહેતાં અને બ્લેક બેરીઝના કપડા તથા બેલ્ટ સહિતનું રિટેલ વેંચાણ કરતી મુંબઇની દર્શ એન્ટરપ્રાઇઝ ઓફિસમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતાં વિલાસ ઓમપ્રકાશ મિશ્રા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી રાજકોટ ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટી-૮માં રહેતાં મોહસીન મુસાભાઇ નોતીયાર વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૮ મુજબ ગુનો નોંધ્યો છે.

વિલાસ મિશ્રાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે અમારી હેડ ઓફિસ મુંબઇ ભિવન્ડી માનકુલી નાના દાપોડાની બાજુમાં દર્શ એન્ટરપ્રાઇઝથી છે. જેમાં હું એરિયા સેલ્સ મેનેજર છું. રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે ઓરબીટ એન્કલેવમાં ગ્રાઉન્ડ ફલોર પર બ્લેક બેરીઝના નામથી અમે કપડા અને બેલ્ટ સહિતની ચીજવસ્તુઓનું રીટેલ વેંચાણ કરીએ છીએ. મોહન કલોથીંગ કંપની પ્રા.લિ.ની ફ્રેન્ચાઇઝી બ્લેક બેરીઝના આ શો રૂમમાં સ્ટોર મેનેજર તરીકે મોહસીન મુસા નોતીયાર (ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી-૮) સંભાળે છે. તેનું કામ સ્ટોર રૂમમાં સ્ટોક રાખવો અને સ્ટાફ મેનેજમેન્ટ કરવાનું છે. તે છેલ્લા પાંચ વર્ષથી આ નોકરી કરે છે.

રાજકોટના આ શો રૂમમાં બ્લેક બેરીઝ નામથી કપડા અને એકસેસરીઝનું વેંચાણ રીટેલ તરીકે ચાલુ હોઇ અને અમારી કંપનીના નિયમ મુજબ તમામ માલની આવકની એન્ટ્રી અને વેંચાણ થાય તેની એન્ટ્રી કોમ્પ્યુટરમાં થાય છે. તેમજ નિયત સમયે ઓડિટરો ઓડિટ પણ કરે છે. ગત નવેમ્બર-૨૦૧૯માં ૧૨/૧૧/૧૯ થી ૧૬/૧૧/૧૯ દરમિયાન પ્રો-ટીમ સોલ્યુસન્સના શ્રીકાંત ગુપ્તા ટીમ દ્વારા ઓડિટ થતાં રાજકોટના શો રૂમમાં જે માલનો સ્ટોક હોવો જોઇએ તેના કરતાં ઓછો જોવા મળતાં મેનેજર મોહસીને કંઇક ખોટુ કર્યાનું જણાયું હતું. રૂ. ૫,૭૬,૭૮૮નો માલ સગેવગે થયાનું જણાયું હતું. એ પછી ઓડિટ થતાં ૬,૦૫,૦૦૦નો માલ કંપની સાથે ઠગાઇ કરી સગેવગે કરાયાનું સામે આવ્યું હતું. કુલ રૂ. ૧૧,૮૧,૭૮૮ની ઉચાપત મોહસીને સ્વીકારી પણ લીધી હતી.

ત્યારબાદ ૨૬/૧૧ના રોજ મોહસીને રકમ ભરપાઇ કરવાની બાહેંધરી આપી નોટરી લખાણ કરી આપ્યું હતું. રૂ. ૩,૧૬,૫૭૬ની ભરપાઇ કરવાની બાકી હોઇ તેની નોકરી ચાલુ રખાઇ હતી. એ પછી કોરોના મહામારી આવતાં ઓડિટ થયું નહોતું. કંપનીને કેટલાક લોકોના ઇ-મેઇલ આવ્યા હતાં કે મોહસીને અમારી પાસેથી રકમ ઉઘરાવી છે પણ કપડા મોકલાવ્યા નથી. આ અંગેની જાણ અમારી કંપનીના અધિકારીને થતાં ૨૧ ઓકટોબર ૨૦૨૦ના રોજ પ્રાઇવેટ ઓડિટર મારફત મોહસીનની હાજરીમાં ઓડિટ થતાં જુદા-જુદા ૮૭૪ નંગ હાજર સ્ટોકમાં ઓછા જણાયા હતાં. જેની કિંમત રૂ. ૨૩,૦૯,૫૮૫ થાય છે. આ ચીજવસ્તુઓ તેણે બારોબાર વેંચી નાંખી વિશ્વાસઘાત કર્યાનું ખુલતાં તે ઓડિટ બાદ સ્ટોર મુકી જતો રહેલ. તેનો સંપર્ક પણ થતો ન હોઇ અને તેના પરિવારજનો પણ તેના સંપર્કમાં ન હોઇ અંતે અમારે ફરિાયદ કરવી પડી હતી. તેમ ફરિયાદમાં જણાવાયું હતું.

એસીપી એસ. આર. ટંડેલ, પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમા, મુકેશભાઇ સહિતએ ગુનો નોંધી આરોપી મોહસીનની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. પોતાનાથી ભુલ થઇ ગયાનું રટણ આરોપીએ પોલીસ સમક્ષ કર્યુ હતું.

(1:52 pm IST)