રાજકોટ
News of Wednesday, 10th February 2021

રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંઘના નામે ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ

રેન્જનું સાયબર સેલ સક્રિય થતાં ખોટુ ફેસબૂક એકાઉન્ટ બનાવનારે એકાઉન્ટ બ્લોક કરી દીધું: ફેસબૂકને પણ જાણ કરવામાં આવીઃ ડીઆઇજીના મિત્રોને ગઠીયાએ મેસેજ કરી પૈસાની મદદ માગી!

રાજકોટ તા. ૧૦: ગમે તેના નામે બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી અથવા તો એકાઉન્ટ હેક કરીને જેટલા પણ મિત્રો ફ્રેન્ડલિસ્ટમાં હોય તેને મેસેજ કરી પોતે મુશિબતમાં છે, પૈસાની જરૂર છે એવા ખોટા મેસેજ કરી ઓનલાઇન નાણા મેળવી છેતરપીંડી કરવાના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં જ આવો એક ગુનો ડિટેકટ કરી રાજસ્થાનથી એક વિકલાંગ શખ્સને પકડી લીધો હતો. જો કે સાજીદ નામનો સુત્રધાર મળ્યો નહોતો. દરમિયાન એક લેભાગુએ કોઇનું નહિ ને રાજકોટના રેન્જ ડીઆઇજી શ્રી સંદિપસિંઘના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં જેણે રિકવેસ્ટ સ્વીકારી તેને પૈસાની મદદ માટેના મેસેજ મોકલી ઠગાઇનો પ્રયાસ કરતાં ચર્ચા જાગી છે. આ મામલે રૂરલ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ કરી છે.

રેન્જ ડીઆઇજીશ્રી સંદિપસિંઘે 'અકિલા'ને જણાવ્યું હતું તેમનું ફેસબૂક એકાઉન્ટ કોઇએ હેક નથી કર્યુ પરંતુ તેમના નામનું નવું જ ફેસબૂક એકાઉન્ટ બનાવી લીધુ હતું અને તેમના જ મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. રિકવેસ્ટ સ્વીકારનારાઓને એમ થયું હતું કે ડીઆઇજીશ્રીએ નવું એકાઉન્ટ બનાવ્યું હશે. એ પછી જેણે જેણે નવા એકાઉન્ટની રિકવેસ્ટ સ્વીકારી હતી તેમને પૈસાની મદદ માટેના મેસેજ મળવા માંડ્યા હતાં. રેન્જ ડીઆઇજીના નામે આ રીતે મદદના મેસેજ મિત્રોને મળતાં દાળમાં કંઇક કાળુ હોવાની શંકા ઉપજી હતી.

એ દરમિયાન એક મિત્રએ શ્રી સંદિપસિંઘને જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયા હતાં. તેમણે સાયબર ક્રાઇમને જાણ કરી હતી. રૂરલ સાયબર ક્રાઇમના પીઆઇ ડોડીયા અને ટીમ તાકીદે કામે લાગતાં બોગસ એકાઉન્ટ ઉભુ કરનારે આ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. તેને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે. આ અંગે ફેસબૂકને પણ જાણ કરવામાં આવી છે. આ રીતની છેતરપીંડીના બનાવો સમયાંતરે બનતા રહે છે. ત્યારે હવે ખુદ રેન્જ ડીઆઇજીના નામે છેતરપીંડીનો પ્રયાસ થતાં ચર્ચા જાગી છે. ગઠીયાગીરી કરનારાને શોધી કાઢવા ટીમ કામે લાગી છે.

(1:26 pm IST)