રાજકોટ
News of Wednesday, 10th February 2021

વોર્ડ નં. ૧૧માં વિસ્તારવાસીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર : બેનરો લગાડી કર્યો વિરોધ

કાલાવડ રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના રહેવાસીઓએ પાણીની સમસ્યા ઉકેલવા કરી માંગ

રોષ : શહેરના કાલાવડ રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડના રંગોલી પાર્કના વિસ્તારવાસીઓએ ચૂંટણીનો બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસે જીતવા જોરશોરથી પ્રચાર - પ્રસારનો પ્રારંભ કર્યો છે. વિવિધ વોર્ડના સ્થાનિક ઉમેદવારો પોતાના પ્રચાર માટે પ્રયત્નશીલ થયા છે. ત્યારે વોર્ડ નં. ૧૧ પર આવેલા કાલાવડ રોડ પર નિર્માણ પામેલા રંગોલી હાઉસીંગ બોર્ડના વિસ્તારવાસીઓ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું છે. તેમણે સોસાયટીની બહાર બેનર લગાડીને વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઉનાળામાં પાણીની સમસ્યાથી હિજરત કરવાનો વારો આવે છે.

આ બહિષ્કાર કરવા અંગે રંગોલી પાર્કના લતાવાસીઓએ જણાવ્યું હતું કે, મતદાનનો બહિષ્કાર કરવાનો એક જ હેતુ છે, અને એ છે પ્રાથમિક સુવિધા. કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં ગુજરાત સરકારના બનાવેલા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવેલા હાઉસીંગ બોર્ડ આવાસ યોજનામાં ૨૦૧૬થી જ પાણીની સમસ્યા ભોગવી રહ્યા છીએ. ઉનાળામાં તો જાણે હિજરત કરવી પડે છે. આ મુદ્દે તંત્રને અવાર-નવાર રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિ જૈસે થૈ જોવા મળી રહી છે.

સ્થાનિક ફલેટ ધારકોએ વિરોધ દર્શાવવા માટે સોસાયટીની બહાર બેનર લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે 'અમારી સોસાયટીમાં કોઇપણ પક્ષના રાજકારણીઓએ મત માગવા આવવું નહીં. ૨૦૧૬થી લગાતાર અમારા પડતર પ્રશ્નો તેમજ પ્રાથમિક સુવિધા બાબતે રજૂઆત કરવા છતાં આજ સુધી સમસ્યાઓનું નિરાકરણ ન આવતા આવનાર આગામી ચૂંટણીઓનો અમુક બહિષ્કાર કરીએ છીએ. અમે ભગવાન ભરોસે છીએ ને ભગવાન ભરોસે જીવીશું.'

(3:04 pm IST)