રાજકોટ
News of Saturday, 10th February 2018

રાજકોટની નેહા નિમાવતને આંતર રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

રાજકોટઃ મલેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં રાજકોટની ૧૨ વર્ષની નેહા નિમાવતે ૧૪ દેશના સાર્ધકોને હરાવીને ગોલ્ડ મેડલ મેળવી રાજકોટ તથા દેશનું ગૌરવ વધારેલ છે.

રાજકોટની કડવીબાઇ વિદ્યાલયમાં અભ્યાસ કરતી સાધારણ પરિવારની નેહા નિમાવતે જણાવેલ કે શાળામાં ૩ વર્ષ અગાઉ યોગનું શિક્ષણ આપવાનું શરૂ કરાયું હતું. બસ ત્યારથી જ મેં આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. મારા માતા-પિતાએ પણ આ માટે જરૂરી મદદ કરવાનું શરૂ કરી દીધુ. માતા-પિતાની મદદરૂપી પાંખ મળતા જ હું યોગની દુનિયામાં ઉડવા લાગી અને પ્રથમ સ્થાનિક બાદમાં રાજ્યસ્તરે અનેક મેડલ મેળવ્યા હતા, ઇચ્છા દેશના સીમાડા પાર કરવાની હતી. માતા-પિતાના આશીર્વાદથી મેં મલેશિયામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યુ હતું.

નેહાના કોઇ ખાસ કોચ નથી. પોતાને યોગના આસનની સમજણ ન હોવા છતાં પુત્રીનું સ્વપ્ન પુરૂ કરવા માટે જુદા-જુદા કોચની સલાહ અને ઇન્ટરનેટની મદદથી તેની માતા તેને યોગના વિવિધ આસનો શીખવે છે અને માતાની મહેનતને સાર્થક કરી નેહાએ મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શત કરીને ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે.

ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડાલિસ્ટ બનેલી નેહાનું એક માત્ર લક્ષ્ય છે કે, તે આંતરરાષ્ટ્રીય યોગગુરૂ બનીને દેશભરના લોકોને યોગ શીખવવા. આ માટે નેહાએ અત્યારથી પોતાનું કૌવત દર્શાવવાની શરૂઆત કરી દીધી છે.

(8:55 pm IST)