રાજકોટ
News of Saturday, 10th February 2018

રાજકોટવાસીઓ ચિંતા ન કરે, પાણી કાપ નહિ જ આવે : રૂપાણીનું વચન

નર્મદા કેનાલ મારફત પાણી ચાલુ રહેશે અથવા નર્મદાના પાણીથી સરકાર આજી ડેમ ભરી દેશે

રાજકોટ, તા. ૧૦ : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નર્મદા ડેમમાંથી ગુજરાતને વધુ પાણી ઉપાડવા દેવા માટેની મંજુરી આપવાના નર્મદા કંટ્રોલ ઓથોરીટીના નિર્ણયને વધાવી સમગ્ર રાજય માટે ૩૧ જુલાઇ સુધીનું પીવાના પાણીનું આયોજન થઇ ગયાનું અને રાજકોટમાં પાણી કાપ નહિ આવે તેવું વચન આપ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે નર્મદા કેનાલ મારફત રાજકોટને પાણી આપવાનું ચાલુ રાખવું અથવા રાજકોટ માટે બનાવેલ ખાસ પાઇપ લાઇન યોજનાથી ડેમ ભરીને પાણી આપવું તે બે વિકલ્પો છે. જો કેનાલ મારફત પાણી આપવાનું બંધ કરાશે તો પાઇપ લાઇનથી આજી ડેમ ભરી દેવામાં આવશે. સરકાર પાસે બંન્ને વિકલ્પ છે બેમાંથી કોઇપણ વિકલ્પથી રાજકોટને પાણી આપી શકાય છે. રાજકોટને હાલ દરરોજ ર૦ મીનીટ પાણી વિતરણ કરવામા આવે  છે તે યથાવત રહેશે. પાણી કાપ આવે તેવી કોઇ સ્થિતિ જ નથી. રાજકોટમાં પાણી કાપ આવશે નહિ. પ્રજા ચિંતા ન કરે, ચિંતા કરવા માટે હું ગાંધીનગરમાં બેઠો છુ.

(4:11 pm IST)