રાજકોટ
News of Saturday, 10th February 2018

દોડો... દોડો... રાજકોટ મેરેથોનનાં રજીસ્ટ્રેશનની મુદતમાં વધારોઃ બુધવાર સુધી એન્ટ્રી સ્વીકારાશે

છેલ્લી ઘડીએ રજીસ્ટ્રેશન માટે ઘસારો થતાં મેયર -સ્ટે. ચેરમેન -કમિશ્નર દ્વારા મુદત વધારાનો નિર્ણય

રાજકોટ, તા., ૧૦: મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૮ ફેબ્રુઆરીએ ૪ર કી.મી. મેરેથોન દોડનું આયોજન કરાયું છે. જેના રજીસ્ટ્રેશન અને એન્ટ્રી ફી સ્વીકારવાનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ છેલ્લી ઘડીએ રજીસ્ટ્રેશન માટે ઘસારો થતા રાજકોટવાસીઓના ઉત્સાહને વધાવવા રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો કરી અને આગામી તા.૧૪ ફેબ્રુઆરીને બુધવાર સુધી એન્ટ્રી ફી સ્વીકારવા નિર્ણય લેવાયો છે.

આ અંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયનાં જણાવ્યા મુજબ મેરેથોનના રજીસ્ટ્રેશન માટેઆજે તા.૧૦નાં છેલ્લો દિવસ હતો. પરંતુ છેલ્લી ઘડીએ નાગરીકોએ રજીસ્ટ્રેશન માટે ઘસારો કર્યો છે અને લોકો ઉત્સાહપુર્વક મેરેથોનમાં જોડાવવા ઇચ્છે છે. ત્યારે હવે મેરેથોનથી કોઇ વંચીત રહી ન જાય તે માટે ૧૪ મી ફેબ્રુઆરીને બુધવાર સુધી સાંજે ૬ વાગ્યા સુધી સિવિક સેન્ટરો, વોર્ડ ઓફીસ, ઝોન ઓફીસમાં એન્ટ્રી સ્વીકારાશે. જયારે બુધવારે રાત્રે ૧ર સુધી ઓનલાઇન એન્ટ્રી પણ સ્વીકારાશે.

એટલું જ નહી કાલે રવિવારની રજા ઉપરાંત મંગળવારની જાહેર રજામાં પણ ઉકત કચેરીએ એન્ટ્રી સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ છે. ત્યારે આ સુવિધાનો લોકો લાભ લ્યે અને વધુને વધુ નગરજનો મેરેથોનમાં જોડાય તેવી અપીલ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ કરી છે.

મેરેથોનનું સમગ્ર સંકલન કરી રહેલા નાયબ મ્યુનિ. કમિશ્નર ચેતન નંદાણીએ એમ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલીકાની આ મેગા આ વર્ષે પણ જબરદસ્ત સફળ થવા ભણી આગળ ધપી રહી છે. સ્પર્ધકો મેરેથોનની અલગ-અલગ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવી રહયા છે. આ શાનદાર ઇવેન્ટને અપ્રતિમ સફળતા અપાવવા રાજકોટ મહાનગર પાલીકા અને રાજકોટ શહેર પોલીસને વિવિધ સ્તરેથી અને ક્ષેત્રમાંથી ભરપુર સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. જુદી જુદી કોલેજો અને એનજીઓ તરફથી મેરેથોન વિશે ઇન્કવાયરી કરવામાં આવે છે. રંગીલા રાજકોટની જનતા હજુ વધુને વધુ રજીસ્ટ્રેશન કરાવે અને મેરેથોન ર૦૧૮માં વધુને વધુ ઉત્સાહ અને ઉમંગથી જોડાય તેવી અપીલ છે. (૪.૧૬)

પ૦ હજાર લોકો મેરેથોન દોડવા તૈયારઃ સૌથી વધુ ૪પ હજાર ફનરન દોડશે

રાજકોટ : મેરેથોન દોડમાં આજદિન સુધીમાં કુલ પ૦,૦૬૩ દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે જેમાં (૧) કુલ મેરેથોન (૪પ કિ.મી.)માં ૧પ૦ (ર) હાફ મેરેથોન (ર૧ કિ.મી.)માં ૧પ૦૦ (૩) ૧૦ કિ.મી.ની દોડમાં ર૦પ૦ અને (૪) ફનરન (પ કી.મી.)માં ૪પ,૩૬૩ (પ) ખાસ દોડમાં ૧૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યાનું જાહેર થયું છે

(4:42 pm IST)