રાજકોટ
News of Saturday, 10th February 2018

પંડિત દીનદયાલજી ફકત દેશના જ નેતા નહિં પણ સાચા અર્થમાં એક યુગદ્રષ્ટા હતા

ઉપાધ્યાયજીની પુણ્યતિથીએ શ્રધ્ધાંજલિ અર્પતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટ તા. ૧૦, સુશાસન અને સુરાજયની ક્રાંતિકારી વિચારધારાના પ્રણેતા, કુશળ અર્થશાસ્ત્રી અને પ્રભાવક વકતા સ્વ. પંડિત દીનદયાળજી ઉપાધ્યાયને તેમના નિર્વાણ દિન નિમિતે શ્રધ્ધાંજલિ આપતાં ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, સ્વ. દીનદયાળજીનું વ્યકિતત્વ રાષ્ટ્ર સમર્પિત,  અત્યંત પારદર્શક,  પ્રમાણિકતાસભર અને દીવાદાંડી સમાન હતું. ગુરુજીનાં આશીર્વાદ અને શ્યામાપ્રસાદ મુખરજીનાં આચરણને અનુસરી, દીનદયાળજીએ જનસંઘનાં મંત્રીપદે સેવા આપીને પક્ષને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવવામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

 તેઓ લોકાભિમુખ અને માનવતાવાદી લોકનાયક હતા. દીનદયાળજીએ સંગઠન આધારિત મૂલ્યનિષ્ઠ અને સિધ્ધાંતવાદી રાજનીતિસભર અનોખી વિચારધારાની ભારતને મહામૂલી ભેટ આપી તેના પરિણામ સ્વરૂપે દેશને કોંગ્રેસનાં એકહથ્થુ, વંશવાદી, ભ્રષ્ટ, જડતાવાદી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ ભરેલા કુશાસનમાંથી મુકિત મળી. દીનદયાળજીની વિચારધારાનાં અનુસરણથી આજે પ્રજાને સુશાસન અને સુરાજયયુકત સ્વતંત્રતા મળી છે. તેઓ ફકત દેશનેતા જ નહીં પરંતુ, સાચા અર્થમાં એક યુગદ્રષ્ટા હતા.

 પાકિસ્તાન, ચીન, બૌદ્વ ધર્મ, ભારતીય અર્થવ્યવસ્થા, ભગવાન શ્રીકૃષ્ણ, ભારતીય સંસ્કૃતિ, હિન્દુત્વની મહતા અને ટેકનોલોજી જેવા મહત્વનાં વિવિધ વિષયો પર દીનદયાળજીનું ઊંડું ચિંતન, મનન અને લેખન છે.  તેઓ ગજબનાક દૂરંદેશિતા ધરાવતા હતાં. આજથી દાયકાઓ અગાઉ, સ્વાતંત્ર્યના અવસરે પંડિતજીએ ચીન અને પાકિસ્તાન વિશે લખેલાં લેખોમાં જે પ્રકારની આશંકા વ્યકત કરી હતી એવી સ્થિતિ હાલ કેટલાક સમયથી દેશના સીમાડાઓ પર વાસ્તવમાં જોવા મળી રહી છે. જો કોંગ્રેસે દીનદયાળજીની ચેતવણીઓ લક્ષમાં લીધી હોત તો આજે ચીન ભારત સામે આંખ ઊંચી ઉઠાવતા પહેલાં અનેકવાર વિચાર કરત.

જીવનના અંતિમ શ્વાસ સુધી જનસેવામાં કાર્યશીલ રહેલા દીનદયાળજીનું વ્યકિતત્વ સદૈવ પથદર્શક બની રહ્યું છે. તેમની વિચારધારાને અનુસરીને કેન્દ્ર અને રાજયોની ભાજપ નેતૃત્વની સરકારો આર્થિક ચિંતન કરે છે એટલું જ નહિ ગરીબો અને વંચિતો માટેની કલ્યાણકારી યોજનાઓ ઘડે છે. ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાને લઈ દેશની અર્થવ્યવસ્થાનું નિર્માણ આજે પંડિત દીનદયાળજીની સંપૂર્ણ વિચારધારાને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવ્યું છે તે સુવિદિત છે. તેમ શ્રી રાજુભાઇ ધ્રુવ (મો.  ૯૪૨૬૭  ૧૯૫૫૫) અંતમાં જણાવ્યું હતું.

(11:52 am IST)