રાજકોટ
News of Saturday, 10th February 2018

ભાવનગરથી બે દિ' પહેલા ગૂમ થયેલા રાહુલ ભરવાડનો રાજકોટ ગેસ્ટ હાઉસમાં આપઘાત

ભાઇને સાંજે ૪ વાગ્યે મેસેજ કર્યો-મારી આંખ, કિડનીનું દાન કરી દેજો, મને માફ કરી દેજોઃ ભાઇએ છેક રાત્રે મેસેજ વાંચ્યો ને તપાસ શરૂ કરીઃ મોબાઇલ લોકેશનને આધારે રાજકોટ આવ્યા ત્યારે આપઘાતની ખબર પડી

રાજકોટ તા. ૧૦: ભાવનગરથી બે દિવસ પહેલા ગૂમ થયેલા ભરવાડ યુવાને રાજકોટના અશોક ગેસ્ટ હાઉસમાં આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણે આપઘાત પૂર્વે પોતાના ભાઇને મેસેજ મોકલી આંખ અને કિડનીનું દાન કરી દેવા કહ્યું હતું. જો કે ભાઇએ મોડી રાત્રે મેસેજ વાંચ્યો હતો અને મોબાઇલ લોકેશનને આધારે શોધખોળ કરી રાજકોટ પહોંચતા  આપઘાતની જાણ થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અશોક ગેસ્ટ હાઉસમાં રૂમ નં. ૨૧માં પંખામાં ટૂવાલ બાંધી એક એક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી નિલેષભાઇ ગોહેલ અને પાઇલોટ પ્રદ્યુમનસંહએ કરતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. એસ. વી. સાખરા અને રાઇટર ભીખાભાઇ પહોંચ્યા હતાં. પોલીસ તપાસમાં આપઘાત કરનાર યુવાન ભાવનગરનો રાહુલ કાનજીભાઇ ઘોઘારી (ભરવાડ) (ઉ.૨૦) હોવાનું ખુલ્યું હતું. તેના ભાઇએ જણાવ્યું હતું કે રાહુલ બે દિવસ પહેલા ભાવનગરથી નીકળી ગયા બાદ ગૂમ હતો. ગઇકાલે સાંજે ચારેક વાગ્યે રાહુલે તેને મોબાઇલમાં મેસેજ કરી પોતાની આંખ અને કિડનીનું દાન કરી દેવા અને પોતાને માફ કરી દેવા લખ્યું હતું. જો કે આ મેસેજ તેણે છેક રાત્રે અગિયાર વાગ્યે વાંચ્યો હતો અને તેના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણ કરતાં મોબાઇલ લોકેશન શોધતાં રાજકોટનું બતાવતું હોઇ તેના આધારે રાજકોટ આવતાં રાહુલે આપઘાત કરી લીધાની જાણ થઇ હતી.

પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(12:01 pm IST)