રાજકોટ
News of Friday, 9th February 2018

પડધરીના મેટોડાની ખેતીની જમીન અંગે મદદનીશ કલેકટર દ્વારા મનાઇ હુકમ

રાજકોટ તા. ૯: પડધરી તાલુકાના મેટોડાના રે.સ.નં. ર૦૧/૧/પ ની ખેતીની જમીન ઉપર કામચલાઉ મનાઇ હુકમ મદદનીશ કલેકટર રાજકોટ ગ્રામ્ય દ્વારા આપવામાં આવ્યો હતો.

આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે પડધરી તાલુકાના મેટોડા ગામના રે.સ.નં. ર૦૧ પૈકી ૧ પૈકી પ ની ખેતીની જમીન અમરીબેન પુંજાભાઇ જાદવ ને સાંથણીમાં નાયબ કલેકટર મોરબી દ્વારા આપવામાં આવેલ. જેમનું અવસાન થતા તેમની પુત્રી ધનીબેન ડાયાભાઇ મકવાણા એ મહેસુલ વિભાગ અમદાવાદમાં ફેર તપાસ અરજી કરતા ધનીબેન તથા તેમના તમામ વારસદારોના નામોમ રેવન્યુ રેકર્ડમાં વારસાઇ દરજજે પ્રમાણીત કરવાનો હુકમ થયેલ પરંતુ મામલતદાર પડધરી દ્વારા ફકત ધનીબેનનું નામ પ્રમાણીત કરેલ.

આ સામે ધનીબેનની પુત્રી હંસાબેન ડાયાભાઇ મકવાણાએ રાજકોટના ડેપ્યુટી કલેકટર ગ્રામ્ય સમક્ષ લેન્ડ અપીલ દાખલ કરાવેલ જેમાં ડેપ્યુટી કલેકટર રાજકોટ ગ્રામ્ય દ્વારા ઉપરોકત ખેતીની જમીન સંદર્ભે આગળનું કોઇ ટ્રાન્જેકશન ન થાય તે હેતુથી ઉપરોકત ખેતીની જમીનનું ધનીબેન ડાયાભાઇ મકવાણા કે ફોજર્ડ રીતે ખરીદનાર સોમાભાઇ ભાણાભાઇ મકવાણા ઉપર વેચાણ, તબદીલી, ગીરો, બક્ષીસ નહીં કરવાનો કામચલાઉ મનાઇ હુકમ આપવામાં આવેલ છે. અરજદાર હંસાબેન તરફથી એડવોકેટ શ્રી ધર્મેશ એચ. સિધ્ધપુરા મારફત ઉપરોકત અપીલમાં એડવોકેટની દલીલને માન્ય રાખીને ઉપરોકત હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં અરજદાર હંસાબેન ડાયાભાઇ મકવાણા તરફે રાજકોટના ધારાશાસ્ત્રી ધર્મેશ એચ. સિધ્ધપુરા રોકાયેલા હતા.

(4:54 pm IST)