રાજકોટ
News of Friday, 9th February 2018

ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ૧૦ લાખ ૬૦ હજારના વળતરનો હુકમ

રાજકોટ તા. ૯: ચેક રિર્ટન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા સાથે ફરીયાદીને રૂ. ૧૦,૬૦,૦૦૦/-નું વળતર ચુકવવાનો હુકમ રાજકોટના અધિક ચીફ જયુ. મેજી. એમ. ડી. બ્રહ્મભટ્ટે કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી નાનજીભાઇ લખમણભાઇ હિરપરા ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ફરીયાદીના દિકરા મહેશભાઇ હિરપરાના આ કામના આરોપી મિલનભાઇ વી. અકબરી મિત્ર થતા હોય તેમજ તેઓ આર.ઓ. ફીલ્ટર પ્લાન્ટનું વેચાણ રાજકોટમાં કરતા હોય, આ કામના આરોપીને ધંધાના વિકાસ માટે ફરીયાદી પાસેથી રૂ. ૧૦,૬૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ. જે રકમ ફરીયાદીએ તેઓને આપેલ હોય તેમજ આરોપી થોડા દિવસમાં પરત આપી દેશે તેવું વચન અને વિશ્વાસ આપેલ હોય, બાદ ફરીયાદીએ રકમ પરત માંગતા આરોપીએ ફરીયાદીને ધી કો-ઓપ. બેંક ઓફ રાજકોટ લી. મવડી શાખાનો ચેક આપતા તે ચેક ફરીયાદીએ વટાવવા નાંખતા ચેક પરત ફરેલ જેની જાણ આરોપીને કરેલ પરંતુ આરોપીએ રકમ પરત કરેલ ન હોય જેથી આ કામના ફરીયાદીએ ચેક રીર્ટન કેસ રાજકોટ કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો.

બંન્ને પક્ષોની દલીલો સાંભળીને શ્રી એમ. ડી. બ્રહ્મભટ્ટ જજ એવું તારણ આપેલ કે, આ કામના આરોપી દ્વારા ફરીયાદીને આપવામાં આવેલો ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં નાખતા રીર્ટન થયેલ. જે ચેક સંદર્ભે આરોપીને નોટીસ મોકલેલ અને ફરીયાદી દ્વારા કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં ફરીયાદીને તપાસવામાં આવેલા પરંતુ આરોપી સાબીત કરી શકેલ નહીં કે ઉપરોકત રકમ ફરીયાદીનું કાયદેસરનું લેણું નથી કે ફરીયાદી એ કોરા ચેકનો દુર ઉપયોગ કરી ખોટી ફરીયાદ કરી છે. તેવી કોઇ હકિકત આરોપી દ્વારા સાબીત કરવામાં આવેલ ન હોય તેમજ ફરીયાદીએ રજુ કરેલ પુરાવાઓ તથા ફરીયાદીના એડવોકેટ તરફે લેખીત તથા મૌખીક દલીલ તથા સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને રાખી આરોપી મિલનભાઇ વી. અકબરીને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ મુજબ રૂ. ૧૦,૬૦,૦૦૦/- ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા જો આરોપી સદરહું રકમ ન ચુકવે તો વધુ બે (ર) માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ શ્રી એમ. ડી. બ્રહ્મભટ્ટ જજ સાહેબે ફરમાવેલ.

આ કામમાં ફરીયાદી-નાનજીભાઇ લખમણભાઇ હીરપરા વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાકેશભાઇ ડી. દોશી, ગૌતમ એમ. ગાંધી, દિપકભાઇ પટેલ તથા પરાગભાઇ શાહ રોકાયેલા હતા.

(4:54 pm IST)